ભરૂચ,
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો’ના સૂત્ર સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કોંગ્રેસના દક્ષિણ ઝોનનાં ઈન્ચાર્જ ચારુલતા ટોકસેએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ ભાજપ સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે.તેમણે મતદાર યાદી સુધારણા માટેની SIR પ્રક્રિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પ્રક્રિયા દરમ્યાન આશરે 65 લાખ મતદારોનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.
કોંગ્રેસના આગેવાનોએ મતદારોના અધિકારોનું રક્ષણ કરવા, મતદાર યાદીમાં પારદર્શિતા જાળવવા અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાની માગ કરી હતી. આ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની પણ માગ ઉઠાવવામાં આવી હતી.વધુમાં, આગામી 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે INDIA ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવનાર હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લા પ્રભારી મનહર પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



