ભરૂચ કોંગ્રેસમાં મહિલા પ્રમુખને શહેર પ્રમુખે ગાળો ભાંડી ધમકી આપ્યાનો આક્ષેપ સાથે મહિલાની પોલીસમાં રાવ

SHARE:

– મહિલા પ્રમુખ જ્યોતિ તડવીએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મહિલા પ્રમુખ ગીતા તેમજ તુષાર ચૌધરીને રજુઆત કરી શહેર પ્રમુખ સલીમ અમદાવાદીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ 

– આક્ષેપ પ્રતિઆક્ષેપ થાય છે આ બાબતે પ્રદેશ નિર્ણય લેશે : સલીમ અમદાવાદી

– બેને પોલીસ અરજી કરતા પોલીસને સહયોગ આપીશું : સલીમ અમદાવાદી 

ભરૂચ,

ભરૂચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ફરી એકવાર જાહેરમાં સામે આવ્યો છે.જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે AICCના પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક અને પ્રેસ કોન્ફરન્સ બાદ ફોટો સેશન દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

જ્યોતિબેન તડવીએ ભરૂચ શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી સલીમ અમદાવાદી સામે ગાળાગાળી કરવા,હાથ-પગ તોડી નાખવાની ધમકી આપવા અને જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આક્ષેપ કર્યો છે.તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જ્યોતિ તડવીના જણાવ્યા અનુસાર બેઠક બાદ ફોટો સેશન દરમિયાન AICCના પ્રભારી ચારુલતાબેનને મોડું થતું હોવાથી તેમણે મહિલા કાર્યકરોને ફોટો સેશન આટોપી લેવા જણાવ્યું હતું. આ બાબતે શહેર પ્રમુખે તેમની સાથે ગાળાગાળી કરી અને ધમકી આપી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. વધુમાં, તેમણે જણાવ્યું કે જો સલીમ અમદાવાદીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તેઓ મહિલા કાર્યકરો સાથે રાજીનામાં આપશે.આ મામલે તેમણે આદિવાસી સમાજના સન્માનનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.તેમના જણાવ્યા મુજબ, ‘વોટ ચોરી બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત બેઠક અને પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ફોટોગ્રાફી ચાલી રહી હતી. આ દરમિયાન બધાના ફોટા પડાવવા દેવા અંગે માત્ર બે-ત્રણ મિનિટની સામાન્ય બોલાચાલી થઈ હતી.ગાળાગાળી કે મારપીટની ધમકી આપવાનો કોઈ બનાવ બન્યો નથી, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

સલીમ અમદાવાદીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સંગઠનમાં કાર્યરત છે અને દોઢ વર્ષથી શહેર પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.તેમણે સમગ્ર મામલાને સામાન્ય મતભેદ ગણાવી પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.

આમ મહિલા પ્રમુખની પોલીસ ફરિયાદ, શહેર પ્રમુખનો આક્ષેપોનો ઇનકાર અને સસ્પેન્શન નહીં થાય તો સામૂહિક રાજીનામાની ચીમકીએ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણને ચર્ચાના કેન્દ્રમાં લાવી છે.હવે પોલીસ તપાસ અને પક્ષના મોવડી મંડળના વલણ પર સૌની નજર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!