ભરૂચ,
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાં આવેલા જીતાલી ગામની સીમમાં યોગી એસ્ટેટ-02ના પ્લોટ નંબર-54 પર આવેલા એ.બી. એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી આશરે 20,375 કિલો શંકાસ્પદ ઓઈલ (ઘી)નો જથ્થો ઝડપી પાડ્યો છે.ગોડાઉનમાંથી શંકાસ્પદ ઓઈલના બિલ અને જરૂરી લાઇસન્સ રજૂ ન કરી શકતાં સુરતના ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસે ઓઇલ, મોબાઇલ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.31,16, 250નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથધરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પો.સ.ઈ એ.વી.શિયાળીયા અને તેમની ટીમ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે જીતાલી ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો સંગ્રહિત હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્રણ ટેન્ક અને ડબ્બાઓમાં ભરેલો આશરે 20,375 કિલો શંકાસ્પદ ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે ભરૂચ ડીવાયએસપી ડો.અનિલ સીસારાએ સમગ્ર ગુના અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે,ઓઈલના બિલ તથા સંગ્રહ અને વેચાણ માટેના જરૂરી લાઈસન્સ માંગવામાં આવતાં ચારેય શખ્સો તે રજૂ કરી શક્યા નહોતા. પ્રાથમિક તપાસમાં ટેન્કર મારફતે ઓઇલ લાવી ગોડાઉનમાં આવેલી સ્ટેનલેસ સ્ટીલની મોટી ટેન્કમાં સંગ્રહ કર્યા બાદ 15 લીટરના ડબ્બાઓમાં ભરી તેના પર ‘પંચમ પૂજા ઓઇલ’ના લેબલ લગાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.આ મામલે પોલીસે અભિ કનૈયાલાલ ભરતીયા,હિતેષ નરેશભાઈ ભરતીયા, પ્રવિણ કરમશીભાઈ માળી અને અંકુરભાઈ નરેશભાઈ ભરતીયા, ચારેય રહે. સુરતને ઝડપી લીધા છે.
પોલીસે આશરે રૂ.30.56 લાખની કિંમતનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો, રૂ.60 હજારની કિંમતના પાંચ મોબાઇલ અને સ્ટીકરના ત્રણ બોક્સ સહિત કુલ રૂ.31.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઓઇલની વાસ્તવિક ગુણવત્તા અને તેની પ્રકૃતિ અંગેની વિગતો તપાસ તથા નમૂનાઓના પરીક્ષણ બાદ સ્પષ્ટ થશે. હાલ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



