– પોલીસે જીનબજાર ચાર રસ્તા નજીકથી ૨૧.૧૩ ગ્રામ ગાંજા સાથે બે શખ્સોની અટકાયત કરી : અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો
(વિજય વસાવા, નેત્રંગ)
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સકંજો કસવામાં આવ્યો છે.નેત્રંગ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એસ.વણઝારા અને તેમની ટીમે બાતમી અને પેટ્રોલિંગ દરમ્યાન નેત્રંગ નગરના જીનબજાર ચાર રસ્તા પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ (સુકો ગાંજો) સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો આગામી દિવાળીના તહેવારોના અનુસંધાને ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકીંગમાં હાજર હતા.તે દરમ્યાન જીનબજાર ચાર રસ્તા પાસે એક એક્ટિવા મોપેડ સાથે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં ઊભા હતા.પોલીસને જોઈને તેઓ આઘા-પાછા થવા લાગતા પોલીસે શંકાના આધારે તેમને રોકી તપાસ કરી હતી.તપાસ દરમ્યાન એક્ટિવા ગાડીના આગળના ભાગે મૂકેલી લીલા રંગની પ્લાસ્ટિકની થેલીમાંથી પારદર્શક નાની કોથળીઓમાં ભરેલો શંકાસ્પદ માદક પદાર્થ (સુકો ગાંજો) મળી આવ્યો હતો. પોલીસે સદર બન્ને ઈસમો (૧) વનરાજસિંહ ઘનશ્યામસિંહ રાજ રહે.નેત્રંગ જી.ભરૂચ અને (૨) યુવરાજભાઈ સંજયભાઈ પાટણવાડીયા રહે.નેત્રંગ જી.ભરૂચનાને ઝડપી લઈને આ ગુનામાં અન્ય ફેજલ ચૌહાણ રહે.નેત્રંગને વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.પકડાયેલા આરોપીઓ પૈકી વનરાજસિંહ વિરૂધ્ધ અગાઉ પણ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાયું હતું.
પોલીસે પકડાયેલ ઈસમો પાસેથી ૨૧.૧૩ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ૧૦૫૬, એક્ટિવા ગાડી કિંમત રૂપિયા ૫૦૦૦૦, ૨ નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૦૦૦૦ અને રોકડા રૂપિયા ૩૫૦ સહિત કુલ રૂપિયા ૬૧,૪૦૬ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નેત્રંગ પોલીસે આ મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથઘરી હતી.



