– ઝઘડિયાના પ્રાંત અધિકારી સહિત તાલુકાના અગ્રણીઓ, ગ્રામજનો અને ખેડૂતોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પી.એમ. કિસાન) યોજના અંતર્ગત પી.એમ. કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઝઘડિયા પ્રાન્ત અધિકારી સહિત સ્થાનિક ભાજપાના આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા ૬૦૦૦ ની સહાય ત્રણ સમાન હપ્તામાં એટલે કે દર ચાર મહિને રૂપિયા ૨૦૦૦ ના હપ્તા પ્રમાણે સીધા તેમના બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવે છે.
આજ તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ગુજરાતના બનાસકાંઠા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજનાનો ૨૪ મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો.આ રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને રાણીપુરા ગામે પણ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઝઘડિયા પ્રાંત અધિકારી, ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી વિનોદભાઈ વસાવા,અન્ય અગ્રણીઓ ચંદુભાઈ વસાવા, વિશાલ પટેલ, હર્ષદ પટેલ,હુશેનભાઈ સીદી,મહેશભાઈ પાટણવાડીયા, રાણીપુરા ગામના સરપંચ,લીમોદરા ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી પહોંચાડવા, યોજનાના લાભો અંગે જાગૃતિ લાવવા તેમજ ખેડૂતોને મળતી આર્થિક સહાય અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરવાનો હતો.આ પ્રસંગે ખેડૂતોને યોજનાનો લાભ નિયમિત રીતે મળી રહે તે માટે આધારકાર્ડ સાથે બેંક ખાતાનું લિંકિંગ, જમીનના રેકોર્ડની વિગતો અને ઈ-કેવાયસી પૂર્ણ રાખવાની અગત્યતા પણ સમજાવવામાં આવી હતી.રાણીપુરા ગામે યોજાયેલા આ કાર્યક્રમ થકી ખેડૂતોમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ આવે અને ખેતીના વિકાસ સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



