દેવદિવાળીએ ભાલોદના રણછોડજી મંદિરે તુલસી વિવાહનો ભવ્ય ધાર્મિક પ્રસંગ યોજાયો

SHARE:

– મંગલફેરા, કન્યાદાન સહિતની લગ્નવિધિ શાસ્ત્રોક્ત પરંપરા મુજબ સંપન્ન : મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

 ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે કારતક સુદ પૂનમ એટલે કે દેવદિવાળીના પાવન અવસરે રણછોડજી મંદિર ખાતે પરંપરાગત તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાલોદ ગામ સહિત આસપાસના વિસ્તારના ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

હિન્દુ ધર્મમાં માતા તુલસીનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે.ખાસ કરીને કારતક માસ દરમ્યાન તુલસી પૂજન અને તુલસી વિવાહનું વિશેષ મહત્ત્વ હોવાથી વર્ષોથી આ ધાર્મિક પરંપરા ઉજવવામાં આવે છે.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદના રણછોડજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવદિવાળીના પવિત્ર દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નિમિત્તે મંદિરને આકર્ષક રોશની, ફૂલોની માળાઓ અને સુંદર રંગોળીથી શણગારવામાં આવ્યું હતું. મંદિરનો આકર્ષક શણગાર અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર મંદિર પરિસર જાણે ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.વિવાહ પ્રસંગ નિમિત્તે બપોર બાદ ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી હતી. જેમાં મંગલફેરા, કન્યાદાન સહિત લગ્નની વિવિધ વિધિઓ શાસ્ત્રોક્ત પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રણછોડજી મંદિરે વર્ષોથી યોજાતો આ ધાર્મિક પ્રસંગ ગામની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક બની રહ્યો છે.તુલસી વિવાહ સંપન્ન થતાં ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.હિન્દુ પરંપરા મુજબ તુલસી વિવાહ બાદ લગ્નસરાની મોસમનો પ્રારંભ થતો હોવાથી આ પર્વનું વિશેષ ધાર્મિક મહત્ત્વ પણ રહેલું છે.આમ દેવદિવાળીના પાવન પર્વે ભાલોદના રણછોડજી મંદિરે યોજાયેલા તુલસી વિવાહના પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!