– ૭૮ વર્ષીય વૃધ્ધાવસ્થાની ઉંમરે બે દોડની સ્પર્ધા અને એક ઝડપી ચાલની સ્પર્ધામાં પ્રથમ આવી ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા ગામના નિવૃત સરકારી અધિકારી ભુલાભાઈ માથુરભાઈ વસાવાએ ૭૮ વર્ષની વયે સાપુતારા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં ૩ ઈવેન્ટમાં ભાગ લઈને ત્રણે સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાને આવીને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.૭૮ વર્ષની વૃધ્ધાવસ્થાની ઉંમરે યુવાનોને શરમાવે એવી સિધ્ધિ મેળવીને તેમણે સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.૫ કિલોમીટર દોડ,૫ કિલોમીટર ઝડપી ચાલ અને ૧.૫ કિલોમીટર દોડ એમ ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લઇને તેઓ પ્રથમ ક્રમે આવ્યા હતા.તા.૧ અને ૨ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ સાપુતારા ખાતે રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથ્લિટ્સ સ્પર્ધા યોજાયેલ , જેમાં ગુજરાત સરકારના રમતગમત મંત્રી જયરામભાઈ ગામિતના હસ્તે ભુલાભાઈને ૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ભુલાભાઈએ અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું હતું.







