– ૨૮ કલાકના સંઘર્ષ બાદ ૩૨ લાખનું વળતર જાહેર કરાતા મામલો થાળે પડ્યો
ભરૂચ,
વાગરા તાલુકાના દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં ૮ ઓક્ટોબરના રોજ સેકન્ડ શિફ્ટમાં ફરજ પર ગયેલા યુવરાજસિંહ યાદવ નામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોએ કંપનીમાં ગેસ લાગવાને કારણે યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.જ્યારે કંપની સંચાલકોએ આ વાતને રદીયો આપી મૃત્યુનું કારણ અચાનક ચક્કર આવવા જણાવ્યું હતું. કંપનીના આ જવાબથી અસંતુષ્ટ પરિવારે યુવકનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રાખીને, કંપની સામે યોગ્ય તપાસ અને વળતરની માંગ સાથે લાંબો સંઘર્ષ ચલાવ્યો હતો.મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ કંપની સંચાલકોના ઉડાવ જવાબથી નારાજ થઈને કંપની ગેટ પર ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા.પરિવારની મુખ્ય માંગણી હતી કે યુવકનું મૃત્યુ શેના કારણે થયું તેની યોગ્ય તપાસ થાય અને તેમને યોગ્ય આર્થિક વળતર મળે.
પરિવારે જ્યાં સુધી લેખિતમાં વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સંઘર્ષ લગભગ ૨૮ કલાક સુધી ચાલ્યો હતો.
લાંબા સંઘર્ષ અને વાટાઘાટો બાદ આખરે ૯ ઓક્ટોબરની રાત્રે આશરે ૧૦ કલાકે મામલો થાળે પડ્યો હતો.પોલીસ અને કંપની સંચાલકો સાથેના ઘર્ષણ અને સમજાવટના અંતે, કંપની દ્વારા મૃતકના પરિવારને રૂપિયા ૩૨ લાખનું વળતર લેખિત બાંયધરી સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.આ લેખિત બાંયધરી મળ્યા બાદ પરિવારે ધરણાં સમેટી લીધા હતા અને મૃતક યુવરાજસિંહ યાદવના અંતિમ સંસ્કારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પરિવારજનોના આક્ષેપો અને શંકાસ્પદ સંજોગોને ધ્યાનમાં રાખીને,દહેજ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.જોકે કંપનીના જવાબદારો વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે અંગેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી.




