– મહિલા સુરક્ષા અને સશક્તિકરણનાં દાવાઓ કકડભૂસ : શું આ છે ગુજરાત મોડલ
– દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા સગીરાની માતાએ ત્રણ મહિના સુધી રઝળવુ પડ્યુ, કોર્ટના આદેશથી FIR નોંધાઈ પરંતુ પોલીસે આરોપી માટે છટકબારી રાખી હોવાનો આક્ષેપ
ભરૂચ,
સગીરા સાથે થયેલી દુષ્કર્મના કેસમાં નબીપુર પોલીસની ગંભીર બેદરકારી સામે કોર્ટે આકરુ વલણ અપનાવ્યુ છે.વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોલીસે ફરીયાદ ન નોંધતા સગીરાની માતા કોર્ટની શરણે પહોંચી હતી. કોર્ટના આદેશ બાદ પોલીસે લીધેલી ફરીયાદમાં આરોપીઓ બચી જાય તે પ્રકારની ફરીયાદ નોંધતા સગીરા ફરીવાર કોર્ટમાં પહોંચી હતી. હવે ભરૂચના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટે ફરજમાં બેદરકારી બદલ તત્કાલીન એસ.પી અને બે પોલીસ ઈન્સપેક્ટર સહીત પીએસઓને 16 ડીસેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યુ છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પૂર્વ પટ્ટીના એક ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક જૂથનાં વિશાલ ચિમન પટેલ નામના શખ્સે સામેના જૂથની 16 વર્ષીય સગીરાની છેડતી કરી ધમકી આપી હતી કે એક મહિનામાં તને ઘર માંથી ખેંચી જઈશ. જેની ફરીયાદ સગીરાની માતાને કરી હતી અને જણાવ્યુ હતું કે પોતે વિશાલ સાથે પ્રેમ સંબંધમાં હતી. વિશાલે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન તેની સાથે તેનો મિત્ર વિપુલ કનુ પટેલ પણ હતો. જેથી સગીરાની માતાએ 31/05/2025ના રોજ નબીપૂર પોલીસ મથકમાં કરી હતી.જેની એક નકલ જિલ્લા પોલીસ વડાને પણ આપી હતી. ત્યારબાદ વારંવાર ધક્કા ખાવા છતાં પોલીસે ફરીયાદ કરી ન હતી તેમજ કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતાં. જેથી સગીરાની માતાએ એડવોકેટ દિગ્વિજયસિંહ યાદવ દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવા અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે કોર્ટે પોલીસ પાસે ખુલાસો માંગતા પોલીસ કોર્ટ પાસે સમય માંગ્યો હતો. ત્યાર બાદ અરજીનાં ત્રણ મહિના બાદ 14/09/2025નાં રોજ માત્ર વિશાલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ ફરિયાદીને એફઆઈઆરની નકલ આપી ન હતી.
જ્યારે આરોપીએ જામીન અરજી મુકી ત્યારે કેસના કાગળો જોતા ફરીયાદીને જે મુજબની ફરીયાદ હતી તેમાં ઘણી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.તેમજ આ ગુનામાં વિશાલ ઉપરાંત વિપુલ પણ હોવા છતાં પોલીસે માત્ર એક જ આરોપી સામે ગુનો દાખલ થયેલ હોય ફરીયાદીના વકીલ દિગ્વિજયસિંહ યાદવે વાંધો રજૂ કર્યો હતો. જેથી કોર્ટે તમામ હકીકતો ધ્યાને લેતા પોક્સો જેવા ગંભીર ગુનામાં પોલીસે ફરીયાદ લેવામાં વિલંબ કર્યો હોય અને ફરજમાં બેદરકારી દાખવેલ હોવાથી પોક્સોની કલમ 21 અંતર્ગત બે પોલીસ ઈન્સપેક્ટર એ. એચ છૈયા તેમજ આર.કે. દેસાઈ અને પોલીસ સ્ટેશન અમલદાર અહેકો જીગરભાઈ હરગોવિંદભાઈ સહિત તત્કાલીન પોલીસ વડા મયુર ચાવડાને 16 ડિસેમ્બરનાં રોજ પોક્સો કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યુ છે.
– કોર્ટે આ મુદ્દાઓની ગંભીર નોંધ લીધી
1- આ કામે રેપ અને પોકસોની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ નથી.
2- આ કામે ભોગબનનારનું મેડિકલ તા. 31/05/2025 થી 14/09/2025 સુધી કરવામાં આવેલ નથી.
3- આ કામે ભોગ બનનાર અને સામાવાળાનાં મોબાઈ તા. 31/05/2025 થી 14/09/2025 સુધી રિકવર કરવામાં આવેલ નથી.
4- આ કામે ભોગ બનનાર અને સામાવાળાનાં કપડાં તા. 31/05/2025 થી 14/09/2025 સુધી રિકવર કરવામાં આવેલ નથી.
5- આ કામે ભોગબનનારની સીઆરપીસીનીં કલમ – 164/ બીએનએસએસની કલમ – 183 અન્વયે નિવેદન તા. 31/05/2025 થી 14/09/2025 સુધી લેવામાં આવેલ નથી.
6- આ કામે બનાવ જે ગાડીમાં બનેલ સદર ગાડી તા. 31/05/2025 થી 14/09/2025 સુધી રિકવર કરવામાં આવેલ નથી.
7- આ કામે ભોગબનનારનાં પોલીસ રૂબરૂનાં નિવેદન તા. 31/05/2025 થી 14/09/2025 સુધી લેવામાં આવેલ નથી.
8- આ કામે ભોગ બનનારની પૂછપરછ કરવા માટે તા. 31/05/2025 થી 14/09/2025 સુધી કોઈ મહિલા પોલીસ કર્મચારીને મોકલેલ નથી.
9- આ કામે ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને ભોગ બનનારની રહેણાંક અને સુરક્ષા માટે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
10- આ કામે પોલીસ દ્વારા તા. 31/05/2025 દ્વારા જે અરજી રિસિવ કરવામાં આવેલ તે અંગેની જાણ કોર્ટમાં કરવામાં આવેલ નથી.
11- આ કામે પોલીસ દ્વારા ભોગ બનનારની જાણ સી ડબલ્યુ સી ભરૂચમાં કરવામાં આવી નથી.




