– એકા એક બ્લાસ્ટ થતાં કામદારોમાં નાસભાગ સાથે ભયનો માહોલ : બ્લાસ્ટ થતાં બે કામદારોને ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
– ઔદ્યોગિક અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો
– ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની સુરક્ષા બાબતે ઢીલી કામગીરીને લઈને અકસ્માતનો સર્જાતા હોવાની લોક ચર્ચા
ભરૂચ,
વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલકેમી ફાઈનકેમ કંપનીમાં બેંઝાઈલ કેલોરાઈડની રીસીવર ટેન્કમાં બ્લાસ્ટ થતાં બે કામદારોને ઈજા પહોંચી હતી તો પોલીસ અને મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.તો બ્લાસ્ટના પગલે ડીશ વિભાગે પણ નોટિસ પાઠવી અહેવાલ માંગ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલકેમી ફાઈનકેમ કંપનીમાં મંગળવારના રોજ સાંજના સમયે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો.કંપનીમાં અચાનક બેંઝાઈલ કેલોરાઈડની રીસીવરની ટેન્ક ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો ધ્રુજારી અનુભવાઈ હતી.બ્લાસ્ટમાં અર્શદભાઈ પટેલ અને રાઘવેન્દ્રસિંગને કેમિકલ લાગવાથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ, વાગરા મામલતદાર મીના પટેલ સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથધર્યું હતું.જોકે બ્લાસ્ટના પગલે વાગરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.તો ભરૂચ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ પાઠવી ઘટના અંગેનો અહેવાલ માંગ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઉભા થયા છે.વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે.ફેક્ટરી મેનેજમેન્ટની આ પ્રકારની ઘોર લાપરવાહીના કારણે નિર્દોષ શ્રમિકોએ ભોગવવું પડી રહ્યું છે.સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છે.તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદાર યુનિયનો દ્વારા માંગણી ઉઠી છે.







