(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા ઓદ્યોગિક વસાહતના પ્રદુષિત પાણીને દરિયા સુધી લઈ જવા માટે ૧૦ વર્ષ પેહલા ફાઈબરની લાઈનો નાંખવાની કામગીરી થઈ હતી. જોકે આ ફાઈબરની લાઈન વાંરવાર લીકેજના પ્રશ્નો થવાથી ખેડૂતો અને ઉદ્યોગોને નુકશાન થતું હતું તેથી ત્રણ સ્થળો મળી કુલ ૧૫ કિ.મીની નવી સ્ટીલની લાઈન નાંખવાનો નિર્ણય ઝઘડિયા જીઆઈડીસી તરફથી લેવામાં આવેલ હતો. હાલમાં નવી લાઈન નાંખવાની કામગીરી ચાલી રહેલ છે.વાંરવાર લીકેજ થવાથી પાક અને જમીનને નુકશાન થતું હોવાથી ખેડૂતો દ્વારા તેમના માલિકીની જમીન માંથી આ નવી લાઈન નાંખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તે બાબતમાં નાયબ કલેકટર અંકલેશ્વર અને મામલતદાર હાંસોટ દ્વારા અનેક વખત મીટીંગો થવા છતાં કોઈ સમાધાન થયું નથી.મીટીંગ દરમ્યાન NCT ના અધિકારી ઉમેશ ચૌહાણ દ્વારા જણાવેલ કે ૧૦ વર્ષ પહેલા જયારે લાઈન નંખાઈ હતી ત્યારે કરાયેલ ROU (વપરાશી હક) મુજબ અમે કામગીરી કરી રહ્યા છીએ.સરકારી નિયમો મુજબ અમો વળતર આપવા માંગીએ છીએ. ખેડૂતો સાથે અનેક મીટીંગો કરી છે,સમાધાનના થતા અને કામગીરી ઝડપી પૂરી કરવી હોવાથી અમોએ પોલીસ પ્રોટેક્શન મેળવ્યું છે અને અમારી કામગીરી ચાલી રહી છે.
હાંસોટના ખેડૂત ફકરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે આ પહેલા ઉમેશભાઈ, નાયબ કલેક્ટરનો હુકમ છે એવું જણાવતા હતા,હવે નાયબ કલેક્ટરે જણાવ્યું કે મેં આવો કોઈ હુકમ કર્યો નથી તેથી હવે જુના ROU મુજબ કામગીરી કરવાનું કહે છે તો મારી સાથે આવો કોઈ ROU થયો જ નથી અને કોઈ ખેડૂત સાથે ROU થયો હોય તો પણ તે લાઈન લીકેજ કે અન્ય સમારકામ માટે હોય છે, અને તે માટે પણ ખેડૂતની સંમતી અને વળતર ચુકવવાનું હોય છે.અહિયાં તો નવી લાઈન નાંખવાની કાર્યવાહી થઈ રહી છે અને નવી લાઈન માટે ખેડૂતો સાથે નવો ROU કરવું પડે જે અમારી સાથે કર્યા વગર અમારી માલિકીની જગ્યામાં અમારી મરજી વિરુધ્ધ પ્રવેશ કરી ખેતર ખોદી રહ્યા છે.અગાઉની લાઈનોમાં વાંરવાર લીકેજ થવાથી અમારી જમીનોની ફળદ્રુપતા ખતમ થઈ છે.ભવિષ્યમાં આ જમીનો એનએ પણ ના થઈ શકે જેના લીધે અમારે નવી લાઈનનો વિરોધ છે. અમોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે પરંતુ અમોને ન્યાય મળ્યો નથી.જીઆઈડીસીના આ કૃત્યને સ્થાનિક પ્રશાસનનો સાથ મળી રહ્યો છે એ દુખદ છે.અમો સંવિધાનમાં મળેલ હક્કો મુજબ અમારી લડત ચાલુ રાખીશું.ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે.ઉદ્યોગોના વિકાસ ખેડૂતોના વિનાસથી ના થાય એવી અમારી રજૂઆત છે.







