– તાજેતરમાં એક સિલિકા પ્લાન્ટના માલિક દ્વારા કામદારને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ અંતર્ગત જરૂરી પગલા ભરવા માંગ કરવામાં આવી
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે કાર્યરત રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટેશન એસોસિયેશન દ્વારા ઝઘડિયાના પ્રાન્ત અધિકારીને આવેદન આપીને સિલિકા સંબંધિત સ્થાનિક લોકોના હિતની યોગ્ય જાળવણી થાય તેવી માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે તાજેતરમાં રાજપારડી નજીક આવેલ માંડોવી મિનરલ્સના માલિકે પ્લાન્ટમાં કામ કરતા એક સ્થાનિક કામદારને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કરેલ હોવાની પોલીસ ફરિયાદ કામદાર દ્વારા રાજપારડી પોલીસમાં નોંધાવવામાં આવી હતી. આવેદનમાં જણાવાયા મુજબ રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોશીએશનમાં રાજપારડી ગામના સ્થાનિક લોકો સહિત ઝઘડિયા તાલુકાના કુલ ૧૫૦ જેટલા ટ્રક માલિકો તથા ૪૦૦ થી વધુ ડ્રાઈવરો જોડાયેલા છે.આ વ્યવસાય સાથે આ લોકોની રોજગારી જોડાયેલી છે.ઝઘડિયા તાલુકામાં અંદાજે ૧૦૦ થી વધુ સિલિકા વોશિંગ પ્લાન્ટો કાર્યરત છે અને તેઓ રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોશીએશનને સહકાર આપી કામગીરીમાં મદદરૂપ થાય છે.તેમજ રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોશીએશનના નકકી કરેલ ભાવ મુજબ કામગીરીમાં સહકાર આપે છે.પરંતુ એક માત્ર માંડોવી મિનરલ્સના માલિક સંતોષકુમાર મેન્ડન રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોશીએશન સાથે સહમત થયેલ નથી.તેઓ યેનકેન પ્રકારે પોલીસ તથા જીએમડીસીનો ઉપયોગ કરી એસોસિયેશનને દબાણમાં લાવી તેને બંધ કરાવવાની પેરવીમાં છે.જેને લઈને તેઓએ એસોશિયેશનના પ્રમુખ સામે ખોટી રીતે પોલીસ અરજી પણ કરેલ હતી અને તેઓ સ્થાનિક લોકોની રોજગારી બંધ કરાવવા માંગે છે તેમજ રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોશિયેશનને સહકાર આપતા નથી એમ આવેદનમાં જણાવાયું હતું.આને લઈને રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોશિયેશને સ્વૈચ્છિક રીતે કામ બંધ કરેલ છે.એસોસિયેશન દ્વારા વધુમાં માંડોવી મિનરલ્સ સરકારી નિયમ મુજબ માન્યતા ધરાવે છે કે કેમ તેની તપાસની પણ માંગ કરવામાં આવી હતી.હાલમાં કાચા ખનિજના પરીવહન માટે ૧૨ વ્હીલની ટ્રકો ચાલી રહેલ છે તેની જગ્યાએ માંડોવી મિનરલ્સ દ્વારા જીએમડીસીના અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ૧૬ વ્હિલની ટ્રકો ચલાવવાની કોશિશ કરેલ હોઇ તેના કારણે સ્થાનિક લોકોની રોજગારી ઝુંટવાતા ભુખે મરવાનો વારો આવે તેવા પ્રયાસ કરેલ હોવાનું જણાવી આ બાબતે લોકહિતનું રક્ષણ થાય તેવી માંગ કરવામાં આવી હતી.વળી હાલમાં માંડોવી મિનરલ્સનના માલિક દ્વારા સ્થાનિક આદિવાસી કામદારને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાન કરેલ હોવા બાબતની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નંધાવાયેલ છે,ત્યારે તેઓ રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોશીએશનમાં જોડાયેલ સભ્યાને સહકાર આપે અને લોકોની રોજગારીમાં મદદરૂપ થાય તે હેતુથી જરૂરી આદેશાત્મક પગલા લેવાય તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી.




