– વાલિયા ખાતે પોસ્ટમાસ્તરની નોકરી કરતા ઝઘડિયાના રહીશ નોકરીએ જતા હતા તે દરમ્યાન અકસ્માત થયો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થતો દેખાઇ રહ્યું છે.તાલુકામાં છાસવારે નાનામોટા વાહનો અથડાતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.ત્યારે આવાજ એક અકસ્માતની ઘટનામાં ઝઘડિયા વાલિયા વચ્ચે તલોદરા ગામ નજીક એક મોટર સાયકલ અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ અંગે ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા ખાતે રહેતા ૫૮ વર્ષીય મહેશભાઈ વેણીલાલ વસાવા વાલિયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તર તરીકે નોકરી કરે છે,તેઓ ગતરોજ તા.૧૩ મીના રોજ સવારના સવા આઠ વાગ્યાના સમયે તેમની એકટિવા મોપેડ લઈને ઝઘડિયાથી વાલિયા જવા નિકળ્યા હતા.તેઓ તલોદરા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે દરમ્યાન મોરતલાવ ગામ તરફથી આવતા રસ્તા પરથી આવતી એક મોટર સાયકલ તેમના મોપેડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહેશભાઈ વસાવાને શરીરના વિવિધ ભાગોએ ઈજા થવા ઉપરાંત તેમના ત્રણ દાંત પણ પડી ગયા હતા.ઈજાગ્રસ્ત મહેશભાઈને વાલિયા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.ઝઘડિયા પોલીસે ઈજાગ્રસ્ત મહેશભાઈ વસાવાની ફરિયાદ મુજબ અકસ્માત કરનાર મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.




