રાજ્યના ટ્રાઈબલ વિસ્તારોમાં આવેલ આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરવા ભારતીય ટ્રાઈબલ પાર્ટીની માંગ

SHARE:

– મુખ્યમંત્રીને ઉદ્દેશીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આપેલ આવેદનમાં શિક્ષકોની ઘટ પુરીને શાળાઓમાં સુવિધાઓ વધારવા માંગ કરવામાં આવી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા આજરોજ રાજ્યના ટ્રાઈબલ વિસ્તારોમાં આવેલ આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરી શાળાઓમાં સુવિધાઓ વધારાય તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપવામાં આવેલ આવેદનમાં જણાવાયું હતું કે રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ આદીજાતિ વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલ છે.તે અંતર્ગત હાલમાં કુમાર, કન્યા તથા મિશ્ર શાળાઓ મળીને કુલ ૭૫ જેટલી આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે.આ આદર્શ નિવાસી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળીને કુલ ૫૧૫ જેટલા શિક્ષકોનું મહેકમ છે.પરંતુ હાલ કોઈને કોઈ કારણોસર શિક્ષકોની ઘટ થયેલ છે.વધુમાં જણાવાયા મુજબ હાલમાં માધ્યમિક વિભાગ ધોરણ ૯ અને ૧૦ માં ૩૬૭ શિક્ષકોની સામે ૨૩૯ જગ્યાઓ  ૬૫% પ્રમાણે ઘટ છે અને ૨૦૦૯ થી જગ્યાઓ ખાલી છે.ઉચ્ચતર વિભાગ ધોરણ -૧૧ અને ૧૨ ( સાયન્સ) માં ૧૪૮ શિક્ષકોની સામે ૫૭ શિક્ષકો એટલે ૩૮% જેટલી જગ્યા ઘટ છે.સરકારે સને -૨૦૧૯ માં ૨૫ આદર્શ નિવાસી શાળાઓ નવી શરૂ કરી છે,જેમાં કુમાર અને કન્યા એમ  મિશ્ર પ્રકારની હતી.આ ૨૫ શાળાઓમાં આજદીન સુધી એકપણ શિક્ષકની ભરતી થઈ નથી. વિધાર્થીઓ રામભરોસે ભણે છે.આમ  આદર્શ નિવાસી શાળાઓમાં સરેરાશ ૫૦% થી વધુ શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી છે.રાજ્યમાં આમ કુલ – ૫૧૫ જેટલા શિક્ષકોની ઘટ સામે ૨૯૬ જેટલા શિક્ષકોની ઘટ પડેલ છે.તેમાં કાયમી ભરતી ન કરતાં વિકલ્પ રૂપે માધ્યમિક શાળાઓમાં ૨૦૧૬ થી  પ્રવાસી શિક્ષકો તરીકે કામ કરતાં શિક્ષકોના  પગારમાં એક પણ રૂપિયો વધ્યો નથી.જેથી પ્રવાસી શિક્ષકોને ૧૦,૦૦૦ કે ૧૨,૦૦૦ રૂપિયામાં કામ કરવું પડે છે.તેના કારણે પ્રવાસી શિક્ષકો ટકી શકતાં નથી.આવેદનમાં વધુમાં જણાવાયા મુજબ  સરકાર એવી જાહેરાત કરે છે કે આદર્શ નિવાસી શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ જરૂરિયાતો શાળામાંથી જ આપવામાં આવે છે. પરંતું હકીકતમાં  એવું નથી,કેમકે આદર્શ નિવાસી શાળાઓમાં છેલ્લાં ત્રણ વર્ષથી વિધાર્થીઓ ને પૂરતી માત્રામાં સ્ટેશનરી અને યુનિફોર્મ સમયસર મળતાં નથી,પણ વર્ષ પુરું થવા આવે ત્યારે યુનિફોર્મ આવે છે.પીવાના પાણીની સુવિધાઓ, વિદ્યાર્થીઓ માટે સેનેટરી,નેપકીન,સારા વર્ગખંડોમાં વિજ્ઞાનના સાધનો ગરમ પાણીની સુવિધાઓ,બેડશીટ,ચાદર,બ્લેન્કેટ જેવી તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી.પરંતુ ખુદ વાલીઓએ ખરીદીને આપવી પડે છે.આ વર્ષે પણ સ્ટેશનરી વાલીઓએ ખરીદીને આપેલ હોવાનું જણાવાયું હતું.સરકારે ગુજરાત રાજ્યમાં ટ્રાયબલ વિસ્તારોમાં સરકારી આદર્શ નિવાસી શાળાઓ ખોલી છે,પરંતું શિક્ષકોની ઘટ અને સુવિધાઓના અભાવને કારણે પોતાના છોકરાઓના ભવિષ્યથી લઈને વાલીઓ ભારે ચિંતાતુર બન્યા છે, અને શિક્ષકોની ઘટને કારણે ખુદ વિધાર્થીઓ માટે પણ પરિણામની ચિંતામાં વધારો થાય છે.આને લઈને   વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે અને તેના કારણે અધવચ્ચેથી શાળા છોડવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.તેના કારણે વિધાર્થીઓના પરિણામ પર તેમજ શાળાના પરિણામ પર અસર થવાની સંભાવના વધી જાય છે.આવેદનમાં દર્શાવાયેલ બાબતોનું ઝડપી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી અને જો માંગ નહી સંતોષાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!