આમોદ,
આમોદ ખાતે આવેલ બચો કા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બીબન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ટ્રસ્ટના પ્રમુખ ઈબ્રાહીમ શેઠ તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે એમ.બી.બી.એસ.,બી.ફાર્મ, બી.એસસી. નર્સિંગ સહિત વિવિધ મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી.
બીબન ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ અભ્યાસ માટે જ નહીં પરંતુ એવી લઘુમતી શાળાઓ કે જેઓને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી, તેવા શૈક્ષણિક સંસ્થાઓને પણ સતત સહયોગ આપે છે.ઉપરાંત લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગોમાં સહાય, બીમાર વ્યક્તિઓને સારવાર માટે મદદ તેમજ અમુક ગામોમાં પીવાના શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે બીબન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૨૦ વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક, સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યો છે.જે સમાજમાં શિક્ષણ અને સમાનતાના પ્રચાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.




