આમોદની તેલોદ પ્રાથમિક શાળાના બાળકોએ અમદાવાદ સાયન્સ સિટીનો શૈક્ષણિક પ્રવાસ કર્યો

SHARE:

– ગામના અગ્રણીએ શાળાના બાળકોમાં વિજ્ઞાનના અલભ્ય જ્ઞાનનું ભાથું પીરસી જન્મ દિવસને યાદગાર બનાવ્યો

ભરૂચ,

આમોદ તાલુકાના તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલ પોતાના જન્મ દિવસની યાદગાર રીતે ઉજવણી કરી હતી.તેઓ દર વર્ષે પોતાની ગામની પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવી જન્મ દિવસને અનોખી રીતે ઉજવી રહ્યા છે.તેઓનો જન્મ દિવસ તેમની માટે માત્ર વ્યક્તિગત આનંદનો દિવસ નથી રહ્યો પરંતુ સમાજ માટે સકારાત્મક પ્રેરણા આપતો દિવસ હતો.

વતનપ્રેમી દિનેશભાઈ પટેલે પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે આમોદ તાલુકાની તેલોદ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને લકઝરી બસ દ્વારા અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત કરાવી હતી.બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને બાળક વિજ્ઞાનમાં રસ લેતું થાય તેવા ઉમદા હેતુ સાથે શાળાના બાળકોને સાયન્સ સિટી ખાતે શૈક્ષણિક પ્રવાસ કરાવ્યો હતો.જે શાળાના બાળકો માટે આનંદ અને જ્ઞાનનો અદભૂત સમન્વય બન્યો હતો.સાયન્સ સિટીમાં બાળકોએ એક્વાટિક ગેલેરીમાં સમુદ્રી જીવસૃષ્ટિ નિહાળતાં તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.જ્યારે રોબોટિક્સ ગેલેરીમાં આધુનિક ટેક્નોલોજી જોઈ તેમની અંદર નવી જિજ્ઞાસા જાગી હતી.સ્પેસ વિભાગમાં બ્રહ્માંડના રહસ્યો જાણી બાળકોમાં અદ્ભુત રોમાંચનો અનુભવ થયો હતો.તેમજ બાળકોએ થ્રીડી ચશ્માં પહેરીને થ્રીડી ફિલ્મના જીવંત દ્રશ્યો આંખ સમક્ષ જોવાનો અદભૂત આનંદ માણ્યો હતો.વિકસિત ભારતની વાતો વચ્ચે તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલે પોતાના જન્મ દિવસની ઉજવણી કેક કાપવા પુરતી સીમિત ના રાખી પોતાના ગામની શાળાના બાળકોમાં વિજ્ઞાનના અલભ્ય જ્ઞાનનું ભાથું પીરસી જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો.દિનેશભાઈ પટેલની આ સંવેદનશીલ વિચારધારાએ અન્ય લોકોમાં પ્રેરણાની ચિનગારી પ્રગટાવવાનું કામ કર્યું હતું.બાળકોના બાળ માનસ ઉપર વૈજ્ઞાનિક પ્રવાસનો અભિગમ હૃદયસ્થ બન્યો હતો.જેથી શાળાના બાળકોએ કેક કાપી તેમના જન્મ દિવસની વ્હાલભરી શુભેરછાઓ આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશભાઈ પટેલે અગાઉ પણ તેમના જન્મ દિવસે શાળાના બાળકોને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેમજ વડોદરામાં પ્રખ્યાત બરોડા ડેરી, મ્યુઝિયમ તથા સયાજીબાગની મુલાકાત કરાવી હતી. તેમજ શાળાના બાળકોને ઠંડુ પાણી મળી રહે માટે કૂલર લગાવી આપ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!