– પ્રોજેકટ હેડ અને અન્ય અધિકારીઓએ પ્રોજેકટ, પ્લાન્ટની કામગીરી, CSR પ્રવૃત્તિની વિગતવાર માહિતી આપી
– અધિકારીઓએ ઉપસ્થિત પત્રકારો સાથે હોળી પર્વની ઉજવણી કરી શુભકામનાઓ પાઠવી
– ગેસ બેઝ વીજ ઉત્પાદન મથકની કટોકટી સમયની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો
ભરૂચ,
NTPC ઝનોર-ગંધાર ખાતે પ્રોજેકટ હેડ દિનેશ કુમાર સિંહ રૌતેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત વિજય લક્ષ્મી મુરલીધરન, એચઆર હેડ (માનવ સંસાધન) દ્વારા આમંત્રિત પત્રકારોનું સ્વાગત અને આભારથી કરાઈ હતી. પ્રેઝન્ટેશન થકી ઝનોર-ગંધાર પ્રોજેક્ટની રૂપરેખા, પ્લાન્ટ કામગીરી અને વિવિધ CSR પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પ્રોજેકટ હેડ રૌતેલાએ જણાવ્યું હતું કે, રજૂ કરાયેલી માહિતી NTPCની પીપલ ફર્સ્ટ નીતિને સ્પષ્ટપણે દર્શાવે છે.કર્મચારીઓ તેમજ આસપાસના ગામડાઓ અને સ્થાનિક સમુદાયોનો સર્વાંગી વિકાસ કંપની માટે પ્રાથમિકતા છે.કોર્પોરેટ સામાજિક જવાબદારી નીતિ હેઠળ, કન્યા – મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ રમતગમત સ્પર્ધાઓ અને માળખાગત વિકાસ જેવા ક્ષેત્રોમાં સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. મહારત્ન NTPC દેશના દર ચોથા ઘરે વીજળી ઉપલબ્ધ કરાવી રહી હોય જે ગર્વની વાત સાથે આગામી સમયમાં 60 ગીગાવોટ રીન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની પણ કટિબદ્ધતા દર્શાવી હતી. ગેસ બેઝ વીજ ઉત્પાદન કટોકટી અને સંકટ સમયમાં કઈ રીતે મદદગાર થઈ રહ્યું છે તેની પણ માહિતી રજૂ કરાઈ હતી.
અંતે, રૌતેલાએ મીડિયા પ્રતિનિધિઓનો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રોજેક્ટને હંમેશા સકારાત્મક મીડિયા સમર્થન મળ્યું છે. NTPC ની ખાસ પહેલોને લોકો સુધી પહોંચાડવામાં મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમનું સમાપન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં હોળીની ઉજવણી સાથે થયું. ઉપસ્થિત પત્રકારોએ CSR હેઠળ થઈ રહેલા વિકાસ કાર્યની પ્રશંસા કરી હતી.કાર્યક્રમમાં રોચક સક્સેના, એડિશનલ જનરલ મેનેજર (ઓપરેશન્સ અને મેન્ટેનન્સ), રશ્મિક કુમાર બોરીસા, એડિશનલ જનરલ મેનેજર (ટેકનિકલ સર્વિસીસ), વિભાગના વડાઓ, કર્મચારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.




