– ધારાસભ્ય ડી.કે.સ્વામી તથા સમાજના પ્રમુખ હિતેશ પટેલના હસ્તે ઓપનિંગ કરાયું
આમોદ,
આમોદ એકડા લેઉઆ પાટીદાર સમાજની યુવા શક્તિ માટે તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ને શનિવારના રોજ રોધ ગામે ભવ્ય વોલીબોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજીત ૨૦૦૦ થી પણ વધુ યુવાનો અને પ્રેક્ષકોની ઉપસ્થિતિ રહી હતી. યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે, સમાજમાં એકતા મજબૂત થાય અને ભાઈચારાનો સંદેશ ફેલાય તે હેતુસર આ ટુર્નામેન્ટ યોજાઈ હતી.આ ટુર્નામેન્ટમાં કુલ ૨૫ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, અને તમામ ખેલાડીઓએ ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને પ્રેક્ષકોનું મન જીતી લીધું હતું.
વોલીબોલ ટુર્નામેન્ટનું ઓપનિંગ ધારાસભ્ય ડી.કે.સ્વામી તથા સમાજના પ્રમુખ હિતેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખેલાડીઓને આશીર્વચન સાથે રમતગમત દ્વારા શારીરિક તથા માનસિક વિકાસ માટે પ્રેરણા આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોધ ગામ અને વાણી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.ગામના દરેક યુવાનો અને આગેવાનોની મહેનતથી કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.
ફાઈનલ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો હતો, જેમાં દાંડા ગામ રૂશીલ પટેલની ટીમે રમતને શાનદાર બનાવી વિજય હાંસલ કર્યો હતો.અને કરજણની ટીમ રનર્સ-અપ રહી હતી.ખાસ નોંધપાત્ર બાબત એ રહી હતી કે દાંડા ગામના સૌથી નાની ઉંમર ધરાવતા ૧૦ વર્ષના ખેલાડી રૂમિલ પટેલે “બેસ્ટ નેટર”નો ખિતાબ મેળવી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું અને પોતાની રમતથી ઉત્કૃષ્ટ પ્રશંસા મેળવી હતી.
દરેક ટીમના ખેલાડીઓએ ઉત્તમ ટીમવર્ક, મહેનત અને આત્મવિશ્વાસથી રમતને રોમાંચક બનાવી હતી.સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન વાતાવરણ ઉત્સાહ, આનંદ અને રમતિયાળ ભાવનાથી છલકાયું હતું.આ સફળ આયોજન માટે તમામ આયોજકો,ખેલાડીઓ અને સહયોગીઓએ ખૂબ જ સરસ ટીમ વર્ક કર્યું હતું.




