ધુળેટી પર્વ નિમિત્તે રંગોથી રમતા પહેલા અને પછી શું તકેદારી રાખવી

SHARE:

ભરૂચ,

ભારતભરમાં રંગોના પર્વ ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને વિવિધ રંગો લગાવી આનંદ વ્યક્ત કરે છે. જોકે,બજારમાં મળતા કેટલાક રાસાયણિક રંગોના કારણે ત્વચા અને વાળને નુકસાન પહોંચવાની શક્યતા રહેતી હોય છે. તેથી ધૂળેટી રમતા પહેલા અને પછી યોગ્ય તકેદારી રાખવી જરૂરી હોવાનું ભરૂચની ડો. કીરણ.સી.પટેલ મેડિકલ કોલેજ ઍન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્વચા નિષ્ણાત ડૉ.અભિષેક પારેખ એ અમુક સૂચનો કર્યા છે.

જેમાં તેમણે જણાવ્યું હતું કે,ધૂળેટી રમતા પહેલા ચહેરા અને હાથ-પગ પર નાળિયેર તેલ અથવા મોઈશ્ચરાઇઝર લગાવવું જોઈએ. તેલ લગાવવાથી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બને છે,જેના કારણે રંગ સીધો ચામડીમાં શોષાઈ જતો નથી. વાળમાં પણ તેલ લગાવવાથી રંગથી થતા નુકસાનથી બચી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી પૂરેપૂરા કપડા પહેરવા અને આંખોને સુરક્ષિત રાખવા ચશ્માનો ઉપયોગ કરવો અનિવાર્ય ગણાયો છે.

તબીબોએ ખાસ કરીને કેમિકલવાળા ગાઢ અને ચમકદાર રંગોથી દૂર રહેવાની સલાહ આપી છે. બાળકોની ત્વચા નાજુક હોવાને કારણે તેમના માટે ખાસ કાળજી રાખવી જોઈએ. ત્વચા પર ખંજવાળ, એલર્જી કે લાલાશ દેખાય તો તરત જ સ્વચ્છ પાણીથી ધોઈ લેવું અને જરૂરી હોય તો તબીબી સલાહ લેવી જોઈએ.

ધૂળેટી રમ્યા બાદ ગરમ પાણીના બદલે સાદા પાણીથી નાહવું, ચહેરા પર વધુ ઘસારો ન કરવો, કારણ કે તેનાથી ત્વચાને નુકસાન પહોંચી શકે છે.નાહ્યા બાદ મોઈશ્ચરાઈઝર લગાવવાથી ત્વચાની નમી જળવાઈ રહે છે.

નિષ્ણાતના જણાવ્યા અનુસાર,થોડી તકેદારી રાખવામાં આવે તો ધૂળેટીનો આનંદ સુરક્ષિત રીતે માણી શકાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!