ભરૂચ,
ભરૂચ જિલ્લામાં સાયબર માફિયાઓ વધુ સક્રિય બન્યા છે, જેનો તાજો ભોગ વાગરા તાલુકાની દહેજ GIDCમાં આવેલી SRF કંપનીનો એક કર્મચારી બન્યો છે.ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા અને કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે સ્થિર કારકિર્દી ધરાવતા તુષાર ચંપકલાલ મહેતાને એક અજાણ્યા કોલે લાખોનો ફટકો માર્યો છે. ગત 6 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનામાં સાયબર ગઠિયાએ અત્યંત વ્યવસ્થિત રીતે જાળ બિછાવી હતી.ફોન કરનારે પોતાની ઓળખ HDFC બેંકના મેનેજર દિલીપ રાજન તરીકે આપી હતી. અને અત્યંત પ્રોફેશનલ વાતચીત દ્વારા તુષારભાઈને વિશ્વાસમાં લીધા હતા કે તેમના બેંક ખાતાનું KYC અપડેટ કરવું અનિવાર્ય છે.ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાએ માત્ર દસ્તાવેજોની માંગણી જ ન હોતી કરી, પરંતુ ટેકનોલોજીનો ઘાતક ઉપયોગ કર્યો હતો. પીડિત પાસે વોટ્સએપ પર આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા મંગાવ્યા બાદ તેમને HDFCBank.Apk નામની એક ફાઈલ મોકલવામાં આવી હતી.જેવી તુષારભાઈએ વિગતો ભરવા માટે આ ફાઈલ ખોલી કે તરત જ તેમના મોબાઈલ અને વોટ્સએપ એકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ હેકર્સના હાથમાં જતું રહ્યું હતું.
આ એક પ્રકારનો રમોટ એક્સેસ ટ્રોજન હતો.જેના દ્વારા ઠગ એ જાણી શકતો હતો કે પીડિતના ફોનમાં કઈ બેંકિંગ એપ્લિકેશન છે અને તેના પાસવર્ડ શું છે. આ ડિજિટલ ઘૂસણખોરીના ગણતરીના સમયમાં જ, સાયબર ગઠિયાઓએ પીડિતના બેંક ખાતા માંથી રોકડ 2.74 લાખ તફડાવી લીધા હતા.આટલેથી ન અટકતા, તેમણે પીડિતના નામે ઓનલાઇન પર્સનલ લોનની પ્રક્રિયા હાથ ધરી 6.62 લાખની લોન મંજૂર કરાવી લીધી હતી. આ લોનની રકમમાંથી પણ 6.37 લાખ વિવિધ અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આમ, પોતાની મહેનતની કમાણી અને માથે લોનનું દેવું મળી કુલ 9.12 લાખની છેતરપિંડી થતા તુષારભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા. શરૂઆતમાં NCCRP પોર્ટલ પર મદદ માંગ્યા બાદ, રકમ પરત મળવાની આશા ધૂંધળી જણાતા આખરે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




