– પાનોલી અને અંકલેશ્વરના ફાયર ફાયટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ
– આગ પર નિયંત્રણ જાળવી રાખવા કૂલિંગની પ્રક્રિયા ચાલુ રખાશે
– ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ જાણવાની કવાયત શરૂ કરી
ભરૂચ,
પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ મેનેજમેન્ટ કંપની ચિદાકાશ એન્વીરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી કલાકો ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચ જીલ્લાના પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ મેનેજમેન્ટ કંપની ચિદાકાશ એન્વીરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી.આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ભીષણ આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ ઘટનાની જાણ થતાં પાનોલી અને અંકલેશ્વરના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.હાલ આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પરંતુ કોઈપણ પ્રકારની ફરી ચીંગારી ન ફાટી નીકળે તે માટે કૂલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અંક બંધ રહ્યું છે.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ પણ સ્થળ પર પહોંચી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઉદ્યોગ ક્ષેત્રમાં સલામતીના મુદ્દે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.




