માનસિક અસ્થિર મહિલાના અપહરણ અને છેડતીનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરતી દહેજ પોલીસ : બે આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા

SHARE:

ભરૂચ,

વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ગંભીર અનડિટેક્ટ ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે.એક માનસિક રીતે અસ્થિર મહિલાનું અપહરણ કરી તેની સાથે છેડતી કરનાર બે નરાધમોને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા છે.આ ચકચારી ઘટનાની શરૂઆત ગત ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ થઈ હતી. દહેજ ટાઉન વિસ્તારમાં રહેતી એક માનસિક રીતે અસ્થિર મહિલા રાત્રિના સમયે કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.રાત્રિના અંધકારમાં એકલી જઈ રહેલી આ લાચાર મહિલાને જોઈ બે શખ્સોની દાનત બગડી હતી.તેઓએ મહિલાને સુરક્ષિત ઘરે મૂકી જવાની લાલચ આપી પોતાની બાઈક પર બેસાડી હતી.જોકે આ શખ્સો મહિલાને ઘરે લઈ જવાના બદલે દહેજ જીઆઈડીસી વિસ્તારના નિર્જન રસ્તાઓ તરફ લઈ ગયા હતા.ચાલુ બાઈક પર આ નરાધમોએ મહિલા સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.આ ખેંચતાણ દરમિયાન બાઇક અચાનક સ્લિપ થઈ ગઈ હતી, જેમાં આરોપીઓ સહિત મહિલાને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.પકડાઈ જવાની બીકે બંને આરોપીઓ ઈજાગ્રસ્ત મહિલાને તે જ હાલતમાં રસ્તા પર છોડીને ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ મહિલા પિરામણ કંપનીના ગેટ પાસેથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આપવીતી જાણીને દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસની વિવિધ ટીમો કાર્યરત થઈ હતી.આ દરમ્યાન દહેજ પોલીસે સુવા ચોકડી નજીકથી બે શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કર્યા હતા. સઘન પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.પકડાયેલા આરોપીઓમાં સૌરભસિંહ ક્રિષ્ણ બહાદુરસિંહ અને મુકેશ રાજેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.દહેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.આ સફળ કામગીરીથી સ્થાનિક પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!