– રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું ગૌરવ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનો એન.સી.સી. શૂટિંગ સ્પર્ધામાં અમદાવાદ ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.રાજપીપલાની શ્રી એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એનસીસી કેડેટ કરણ વસાવાએ સ્ટેટ લેવલ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવી કોલેજ તથા સમગ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું છે.અમદાવાદ ખાતે એનસીસી આંતર ગ્રુપ સ્પોર્ટ્સ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026 માં કરણ વસાવાએ આ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તાજેતરમાં યોજાયેલી એનસીસી સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં કરણ વસાવાએ ઉત્કૃષ્ટ નિશાનેબાજી પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.તેમની આ સિદ્ધિ સતત પરિશ્રમ, શિસ્ત અને અડગ મનોબળનું પ્રતિબિંબ છે. સ્પર્ધામાં રાજ્યભરના પ્રતિભાશાળી કેડેટ્સ વચ્ચે કરણે પોતાનું કૌશલ્ય સાબિત કરી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કરણ વસાવા થ્રિ ગુજરાત ઇંડિપેંડેન્ટ કંપની રાજપીપલાના કેડેટ છે.તેમની આ સિદ્ધિ બદલ કંપનીના કમાન્ડિંગ ઓફિસર અખિલેશ કુમાર,એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.શૈલેન્દ્રસિંહ માંગરોલા, એન.સી.સી અધિકારી કેપ્ટન રાહુલ ઠક્કર સરે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.




