– એકતા નગરની વન્ડરફુલ “ઈલેક્શન” સોલા બરસ કી બાલી ઉમર વટાવી સત્તરની થઈ
– સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત આવેલ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક(જંગલ સફારી)માં માદા ગેંડા “ઈલેક્શન”નો ૧૭મો જન્મદિવસ ઉજવાયો
– માદા ગેંડાના નામ “ઈલેક્શન” પાછળ પણ રસપ્રદ કહાણી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
દેશમાં અત્યારે ભલે ચૂંટણીઓનો ગરમાવો હોય, પરંતુ એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક (જંગલ સફારી)માં એક અનોખી ‘ઈલેક્શન’ની ચર્ચા જોવા મળી રહી છે.કારણ કે, આ ઈલેક્શન 17ની થઈ છે.વાત એમ છે કે,આપણે અહીં ઈલેક્શન એટલે કે ચૂંટણીની વાત નથી કરતા, પરંતુ એક ગેંડાની વાત કરીએ છીએ.ગુજરાતના આ જાણીતા ઝૂલોજિકલ પાર્કમાં ઈલેક્શન નામની માદા ગેંડા વસે છે, જે આજે 17 વર્ષની થઈ છે.હા એટલે કે આજે તેનો 17મો જન્મદિવસ છે.હાલ ઈલેક્શન મંગલ નામના નર ગેંડા સાથે છે અને એક બચ્ચાની માતા પણ છે.
ઈલેક્શનનો જન્મ પટણા પ્રાણી ઉદ્યાનમાં થયો, ત્યારે બિહારમાં ચૂંટણીનો માહોલ હતો અને એટલે ત્યાંની એની ફોઈ એટલે કે એનિમલ કીપરે માદા ગેંડાનું નામ ઈલેક્શન પાડી દીધું.જો કે માદા ગેંડાનું જીવન વાર્તા એક રસાકસી ભરેલી ઈલેક્શનના પરિણામ જેવી જ રસપ્રદ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ સમાન સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લુપ્તપ્રાય વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો હાથ ધરવામાં આવે છે,જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. આજે સફારી પાર્કમાં ઉમંગ-ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો કારણ કે, ઈલેક્શનનો જન્મ દિવસ હોવાથી પાર્ટી જેવો માહોલ હતો. માનવ જીવનમાં તો જન્મ દિવસની ઉજવણી સામાન્ય છે,પરંતુ એકતા નગર સ્થિત જંગલ સફારીમાં પણ પ્રત્યેક પ્રાણી-પક્ષીનો જન્મ દિવસ ઊજવાય છે.અહીં પ્રત્યેક વન્યજીવ સાથે પરિવારના સભ્ય જેવું જ વર્તન કરાય છે.
15મી એપ્રિલ જંગલ સફારીના મહત્ત્વપૂર્ણ સભ્ય માદા ગેંડા ઈલેક્શનનો 17મો જન્મદિવસ હતો. આ જન્મદિવસ ઝૂ પરિવારે પોતાના સ્વજનનો જન્મદિવસ હોય તે રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે કર્મયોગીઓ દ્વારા ગેંડાના આવાસને વિશેષરૂપથી શણગારવામાં આવ્યું હતું. ઈલેક્શન, તેના પતિ અને તેમની પુત્રી ખુશીને જન્મ દિવસ માટે ખાસ તૈયાર કરેલી ફળફળાદિ કેક પીરસવામાં આવી હતી. આ કેક કેળા, તરબૂચ, શક્કરટેટી, બીટ, ગાજર, મોસંબી અને પપૈયાથી તૈયાર કરાઈ હતી.
ગેંડા પરિવારને તેના ખાસ મેદાનમાં મુક્ત કરાયા, ત્યારે સફારીના કર્મયોગીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઈલેક્શન આ ખાસ કેક પાસે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત તમામે હેપી બર્થ ડે ગીત લલકાર્યું હતું.
ઈલેક્શનનો જન્મ પટણા પ્રાણી સંગ્રહાલયમાં થયો હતો. પ્રાણી આદાન પ્રદાન યોજના હેઠળ પટણા ઝૂથી ઈલેક્શનને સરદાર પટેલ ઝૂલોજિક્લ પાર્કમાં લવાઈ હતી. વર્ષ 2023માં ઈલેક્શને નર ગેંડા મંગલ સાથેના બ્રીડિંગથી ‘ખુશી’ નામની માદા બચ્ચાને જન્મ આપ્યો હતો, જેથી સમગ્ર સફારી પાર્કમાં ખુશી વ્યાપી ગઈ હતી.સરદાર પટેલ ઝૂલોજિક્લ પાર્કમાં પ્રત્યેક વન્યજીવની ખુબ કાળજી રાખવામાં આવે છે, તેનું પરિણામ આ સક્સેસ બ્રીડિંગ હતું. કેપ્ટિવ બ્રીડિંની દુનિયામાં આ ખૂબ મોટી સિદ્ગિ ગણાય છે, જે આ લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે.
ભારતીય ગેંડાને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ‘સંવેદનશીલ શ્રેણી’માં મૂકાયા છે. એક સમયે ખુલ્લા જંગલમાં તેના શિકાર અને અન્ય કારણોસર પ્રજાતિ વિલુપ્ત થવાની અણીએ હતી.પરંતુ ભારત સરકારના પ્રયાસોથી આજે આ પ્રજાતિની સંખ્યા 4075 સુધી પહોંચી છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક આવી પ્રજાતિના સંરક્ષણની સાથે અહીં આવતા પ્રવાસીઓમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કટિબદ્ધ છે.




