ભરૂચ,
અંકલેશ્વર GIDCમાં આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી.આ ઘટનામાં બે કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા જેમને સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.
બપોરના સમયે કંપનીના MPP-2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી ચાલી રહી હતી.તે દરમ્યાન અચાનક બ્લાસ્ટ થતાં પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે કંપની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.આ અકસ્માતમાં દદોલ પ્રસાદ પ્રકાશ સિંહ (રહેવાસી સોનમ સોસાયટી, ગડખોલ) અને ભાઈલાલ પરમાર (રહેવાસી અંદાડા) ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને પ્રાથમિક સારવાર માટે ભરૂચ ખસેડાયા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.તબીબોના જણાવ્યા અનુસાર, બંનેની હાલત નાજુક છે.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથધરી હતી.હાલમાં ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે પણ આ મામલે તપાસ હાથધરી છે.




