ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુનની તૈયારી અંગે બેઠક મળી

SHARE:

– તમામ વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે કલેકટરે માર્ગદર્શન આપ્યું

ભરૂચ,

આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

બેઠકમાં કલેકટર ગૌરાંગ મકવાણાએ પ્રિ-મોન્સુન અંગેની કામગીરી સુવ્યવસ્થિત અંગે સંબંધિત વિભાગોના આયોજન પર વિસ્તૃત ચર્ચા કરી હતી.જિલ્લામાં આવેલા ડેમ, નદી, અને કિનારે આવેલા ગામોની વિગતો, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, બચાવ અને રાહતની કામગીરી, ભારે પૂર અને અતિવૃષ્ટિનો છેલ્લા ૫ વર્ષનો ઈતિહાસ જેવી વિવિધ બાબતોની છણાવટ કરી હતી.

બેઠક દરમ્યાન કલેક્ટરે ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે વહેણ પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડૂબાણમાં જતાં કોઝ-વે આઈડેન્ટીફાઈ કરી ત્યાં સાઈન બોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ-તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના નામ અને મોબાઈલ નંબર સાથેની યાદી અદ્યતન રાખવા આદેશ આપ્યા હતા.

આપાતકાલીન સ્થિતિમાં સ્થળાંતરની જરૂર પડે ત્યારે સંકલન સરળ રહે તે માટે આપદા મિત્રો અને સેવાભાવી સંસ્થાઓને પણ આ પ્લાનિંગમાં સાંકળી લેવા જણાવાયું હતું.

વધુમાં, કલેક્ટરએ ભયજનક વૃક્ષોનું કટિંગ, જર્જરિત શાળા-આંગણવાડીના મકાનોનો ઉપયોગ ટાળવા, જરૂરી દવાઓનો પુરતો સ્ટોક રાખવા અને કંટ્રોલ રૂમને કાર્યરત કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. રેઈન ગેઝ મશીન અને પૂરની સ્થિતિમાં બોટ અને રેસ્ક્યુ સાધનોની ઉપલબ્ધતા ચકાસી લેવા પણ તેમણે દિશા-નિર્દેશ આપ્યા હતા.આ તકે તેમણે , જિલ્લામાં આવેલી તમામ કાંસ, ચેમ્બર અને ગટર, મહત્વના રસ્તાઓ, નહેર, રોડ રસ્તાઓ સાથે નાના નાળા અને જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ છે તે તમામ વિસ્તારોમાં ડીસ્લિટીંગ અને સાફસફાઈ કરવા જણાવ્યું હતું.ભરૂચ શહેર, નગરપાલીકા સહિત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોગ્ય પ્લાનિંગ સાથે કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.

સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ક્લિન હોવી જોઈએ, ભયજનક વૃક્ષોનું કટીંગ, મુખ્ય રસ્તાઓ પર આવેલા નડતરરૂપ ઝાડનું ટ્રિમીંગ, કાસંની બાજુમાં આવેલા પોલને હટાવવા અને નમી પડેલા પોલને વ્યવસ્થિત કરવા જણાવ્યું હતું. આગલા વર્ષોમાં પાણી ભરાવાના લઈને આવેલા પ્રશ્રો બાબતે ખાસ ધ્યાન રાખીને જે- તે સ્થળ પરની સતર્કતા રાખીને કામગીરી કરવા સહિત વિવિધ પાસાઓ અંગે કલેકટરે દિશા નિર્દેશ કર્યા હતા.સાથો સાથ જિલ્લાવાસીઓને આંગણીના ટેરવે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટીની રીયલ ટાઈમ વિગતો મળી શકે તે માટે ઈ- રેવા સિસ્ટમ અંગે વિવિધ સૂચનો આપ્યા હતા.

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સજ્જતા અંગે વિગતો રજૂ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!