ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા

SHARE:

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ પણ યોગ્ય નોકરી ન મળતા, ટૂંકા રસ્તે નાણાં કમાવવા માટે એક યુવકે તેના મિત્રો સાથે મળીને સોશિયલ મીડિયા પર ઠગાઈનું આખું નેટવર્ક ઉભું કર્યું હતું. આરોપીઓ યુવતીઓને તાંત્રિક વિધિના નામે જાળમાં ફસાવી તેમના ફોટા મેળવતા અને ત્યારબાદ એઆઈ (AI) ટેકનોલોજીની મદદથી વાંધાજનક ડીપફેક વીડિયો બનાવી લાખો રૂપિયા પડાવતા હતા.

તાંત્રિક વિધિના બહાને ફોટા મંગાવી ખેલ ખેલાતો

મુખ્ય આરોપી રજનીશ ભાર્ગવે ઇન્સ્ટાગ્રામ પર ‘કિન્નર પૂજા ગુરૂમાં’ તેમજ અન્ય નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. આ પેજ દ્વારા તે લોકોની પારિવારિક કે અંગત સમસ્યાઓનું તાંત્રિક વિધિથી સમાધાન કરવાની લાલચ આપતો હતો. ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયેલી યુવતીઓ જ્યારે તેનો સંપર્ક કરતી, ત્યારે વિધિ કરવાના બહાને તેમની પાસેથી ફોટોગ્રાફ્સ મંગાવવામાં આવતા હતા.

AIનો દુરુપયોગ કરી બનાવતા ડીપફેક વીડિયો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એકવાર યુવતીના ફોટા મળી જાય એટલે રજનીશ અને તેના મિત્રો વિકાસ ભાર્ગવ તથા રવિ ભાર્ગવ આધુનિક એઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી તે ફોટામાંથી વાંધાજનક ડીપફેક વીડિયો તૈયાર કરતા હતા. ત્યારબાદ આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને યુવતીઓ પાસેથી 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ સુધીની રકમ પડાવતા હતા.

કર્મકાંડી મિત્રની ઓફિસથી મળ્યો ઠગાઈનો આઈડિયા

આરોપી રજનીશ ભાર્ગવની પૂછપરછમાં સામે આવ્યું કે, ગ્રેજ્યુએશન બાદ બેરોજગાર રજનીશ એકવાર તેના કર્મકાંડી મિત્રની ઓફિસે બેઠો હતો. ત્યાં સોશિયલ મીડિયા પર જાહેરાત આપી વિધિના નામે ફી લેતા જોઈ તેને આ ઠગાઈનો વિચાર આવ્યો હતો. શરૂઆતમાં તે માત્ર વિધિના નામે 500-1000 રૂપિયા લેતો હતો, પરંતુ વધુ નાણાંની લાલચમાં તેણે બ્લેકમેઈલિંગનો રસ્તો અપનાવ્યો.

પોલીસ કાર્યવાહીમાં મોટો ઘટસ્ફોટ

અમદાવાદની એક યુવતીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી આ ટોળકીને ઝડપી પાડી છે. પોલીસને આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં યુવતીઓના ફોટોગ્રાફ્સ, એઆઈ દ્વારા તૈયાર કરાયેલા વાંધાજનક ડીપફેક વીડિયો અને ઠગાઈમાં વપરાયેલા મોબાઈલ અને અન્ય સાધનો મળી આવ્યા છે. સાયબર પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં અન્ય કેટલી યુવતીઓને શિકાર બનાવી છે અને આ નેટવર્ક કેટલું મોટું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!