ઝઘડિયા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રિમોન્સૂન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

SHARE:

– ચોમાસા દરમ્યાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ

(જયશીલ પટેલ,ઝઘડીયા)

આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ રહે તે હેતુથી ઝઘડિયા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક મહત્વની પ્રિમોન્સૂન સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં ઝઘડિયા તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આગોતરા આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમ્યાન તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે સમયસર ગટર અને કાંસની સફાઈ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.પૂર કે ભારે વરસાદ જેવી આપત્તિના સમયે લોકોના સ્થળાંતર માટે આશ્રયસ્થાનોની યાદી તૈયાર રાખવા અને જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.દવાઓ, ક્લોરીન ટેબ્લેટ્સ અને ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા આરોગ્ય અને પુરવઠા વિભાગને તાકીદ કરવામાં આવી હતી.વીજળી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત વિભાગ વચ્ચે યોગ્ય સંકલન રહે જેથી ધરાશાયી થયેલા વૃક્ષો કે વીજળીના થાંભલા જેવી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવી શકાય વગેરે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રાંત અધિકારી ડૉ.પંકજ વલવાઈએ બેઠકના અંતે જણાવ્યું હતું કે તમામ વિભાગોએ પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવી જેથી ચોમાસા દરમ્યાન નાગરિકોને ન્યૂનતમ હાલાકી ભોગવવી પડે.આ બેઠકમાં વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!