– મોટી ઉંમરના લોકોને ATM ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો PIN જાણી કાર્ડ બદલી રૂપિયા કાઢી લેતો
ભરૂચ,
ભરૂચ શહેરના શક્તીનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ SBI બેંકના ATM પર થયેલા ATM સ્વેપિંગના બે ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ ₹7,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભરૂચ જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ATM સ્વેપિંગ જેવા ગુનાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.તે અનુસંધાને LCB PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે આરોપી મોટી ઉંમરના લોકોને ATM ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો PIN જાણી લેતો અને ત્યારબાદ ATM કાર્ડ બદલી અન્ય ATMમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો.
LCB PSI એ.વી.શિયાળિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ અનેક ATM સ્વેપિંગ કેસમાં ઝડપાયેલ તુષાર અનીલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે.બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી.પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તીનાથ સર્કલ પાસે આવેલ SBI ATM પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી PINના આધારે શ્રવણ ચોકડી નજીકના ATMમાંથી ₹40 હજાર ઉપાડ્યા હતા.ત્યાર બાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં પણ સમાન રીતે ATM કાર્ડ બદલી ₹18,500 ઉપાડી લીધા હતા.આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી ₹32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા.જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા.
ઝડપાયેલ આરોપી તુષાર અનીલભાઈ કોઠારી (ઉ.વ.36), રહે. ચરોતર બેંક પાસે,આણંદનો રહેવાસી છે.તેની સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, ATM સ્વેપિંગ અને IT એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.




