(ગણપત મકવાણા,પંચમહાલ)
ચોમાસાની આગામી ઋતુને ધ્યાને રાખીને વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની તૈયારીઓની સમીક્ષા કરવાના ભાગરૂપે આજરોજ ગોધરા ખાતે એક વિશેષ પ્રિ-મોન્સૂન મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારી ગોધરાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલમાં ગોધરા મામલતદાર કચેરી (શહેર અને ગ્રામ્ય) તેમજ ગોધરા નગરપાલિકાની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.
આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય ત્યારે વિવિધ વિભાગો વચ્ચે આંતરિક સમન્વય (Coordination) સાધી શકાય અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટેનો હતો. મોકડ્રીલ દરમિયાન પૂર રાહત અને બચાવ કામગીરી માટેના જરૂરી સાધનો જેવા કે બોટ, લાઈફ જેકેટ, કટર અને અન્ય ઈમરજન્સી ઈક્વિપમેન્ટ્સની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી.
ખાસ કરીને ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સંભવિત જોખમોને ઘટાડવા અને સ્થાનિક તંત્રને સજ્જ રાખવા માટે આ કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આપત્તિના સમયે કયા અધિકારી કે કર્મચારીએ કઈ ભૂમિકા ભજવવી તેની વિસ્તૃત ચર્ચા અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આ તકે કરવામાં આવ્યું હતું.
સમગ્ર મોકડ્રીલ દરમ્યાન સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પ્રિ-મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત જરૂરી સુચનોની આપ-લે કરવામાં આવી હતી.




