– તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યા
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં રાજકારણમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.મહેશ વસાવાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ઉમેદવારોની પસંદગી દરમિયાન સોદાબાજી થઈ હતી, જેના વિરોધરૂપે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.
રાજકીય રીતે મહત્વની વાત એ છે કે, ચૂંટણી પહેલાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા. તેમના કોંગ્રેસ પ્રવેશને આદિવાસી વિસ્તારમાં પાર્ટી માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી હતી.
કોંગ્રેસમાં સોદાબાજીના આરોપ સાથે હાલ તેઓએ રાજીનામું આપી દીધું છે. વાલિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે નબળા ઉમેદવારોને ટિકિટ આપી આમ આદમી પાર્ટીને જીતાડી હોવાનો આરોપ મૂક્યો છે. તો નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપ સાથે કોંગ્રેસે સોદાબાજી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા. એ પેહલા ભાજપમાં જોડાયા બાદ વિમુખ થયા હતા. હવે પિતા છોટુ વસાવા સાથે રહી આગામી રણનીતિ નક્કી કરશે તેઓ મત વ્યક્ત કરી રહ્યા છે. અલગ ભીલપ્રદેશની માંગ સાથે આગામી દિવસમાં નવી જાહેરાતનું પણ કહી રહ્યા છે.
મહેશ વસાવાના આ નિર્ણય બાદ ભરૂચ જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો ઉભા થાય તેવી ચર્ચાઓ તેજ બની છે. હવે તેઓ આગામી સમયમાં કઈ રાજકીય દિશામાં આગળ વધશે તેના પર સૌની નજર ટકેલી છે.




