– એ જ છરીથી હુમલો કરનારે પોતાના હાથે ગળે અને પગે હુમલો કરી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર હેઠળ
– ધર કંકાસમાં સસરાએ પુત્રવધુ અને તેની માતાની હત્યા કરી : ડીવાયએસપી એમ એમ ગાંગુલી
ભરૂચ,
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.આ ચોંકાવનારા બનાવમાં આરોપીએ પુત્રવધુ અને તેની માતાની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. એક જ પરિવાર સાથે સંકળાયેલા ત્રણ લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ ઝનોરવાલાએ તેમની પુત્રવધુ એલિફિયા ઝનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી.ત્યાર બાદ આરોપી વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એલિફિયાના માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો.તે સમયે એલિફિયાની માતા શહેનાઝ નમકવાળા ઘરે એકલી હાજર હતી, જ્યારે તેમના પતિ અબ્દુલહુસેન નમકવાળા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને હતા.આરોપીએ શહેનાઝ પર પણ જીવલેણ હુમલો કરતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.બે હત્યાઓને અંજામ આપ્યા બાદ જૈનુલ ઝનોરવાલાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
મૃતક એલિફિયા જાણીતા તબીબ ડો.યુસુફ ઝનોરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક તપાસમાં એલિફિયા અને તેમના સાસરિયાઓ વચ્ચે લાંબા સમયથી પારિવારિક તકરાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.પોલીસ આ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત એલસીબી, એસઓજી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પુરાવા એકત્રિત કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે.
સમગ્ર ચકચારી ડબલ મર્ડર ધર કંકાસમાં થઈ હોવાનું ડીવાયએસપી એમ એમ ગાંગુલી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




