નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિએ સસ્પેન્શન સામે GPCC સમક્ષ ઉઠાવ્યો વિરોધ

SHARE:

– ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર સત્તાના દુરુપયોગનો આરોપ : સસ્પેન્શન રદ્દ કરવાની માંગ

ભરૂચ,

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય નયના પ્રજાપતિએ તેમના સસ્પેન્શન સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે.સાથે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સામે સત્તાના દુરુપયોગ અને શિસ્તભંગની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.નયનાબેન પ્રજાપતિએ GPCC પ્રમુખ અમિત ચાવડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તા.13 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા સસ્પેન્શન પત્રમાં અનુક્રમ નં.5 પર તેમનું નામ દર્શાવી પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી સોશિયલ મીડિયા અને સમાચારપત્રોથી મળી હતી.તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની સામે કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી, કોઈ કારણદર્શક નોટિસ આપવામાં આવી નથી અને સ્પષ્ટીકરણ રજૂ કરવાની તક પણ આપવામાં આવી નથી.આવી સ્થિતિમાં લેવાયેલ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

નયનાબેને વધુમાં જણાવ્યું છે કે સસ્પેન્શન પત્રમાં માત્ર “પક્ષ વિરોધી પ્રવૃત્તિ”નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ કઈ પ્રવૃત્તિ, ક્યારે થઈ અને કયા પુરાવાના આધારે આ નિર્ણય લેવાયો તેની કોઈ સ્પષ્ટતા નથી.

તેમણે દલીલ કરી છે કે નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવી પક્ષવિરોધી પ્રવૃત્તિ ગણાવી શકાય નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવવાનો અધિકાર તેમને કાયદેસર રીતે પ્રાપ્ત છે. ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે કોઈ લેખિત વ્હીપ કે સત્તાવાર મેન્ડેટ પણ આપવામાં આવ્યું નહોતું.

નયના પ્રજાપતિએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોઈ તપાસ કે પુરાવા વિના જાહેરમાં સસ્પેન્શન જાહેર કરવાથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે અને કાર્યકરોમાં ગેરસમજ ફેલાઈ છે.તેમણે GPCC સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં સસ્પેન્શન પત્ર રદ કરવો, તેમની સામેનો સસ્પેન્શન આદેશ પાછો ખેંચવો, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવી સામેલ છે.આ રજૂઆતની નકલ મુકુલ વાસનિક, બી.વી.શ્રીનિવાસ તથા નટવરસિંહ મહીડાને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.આ મુદ્દે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શું નિર્ણય લે છે તેના પર જિલ્લા કોંગ્રેસની રાજકીય હલચલ નિર્ભર રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!