– નર્મદા નદી કિનારેથી સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા ૪ ટ્રકો સીઝ કરાયા
– ખનીજ ચોરીમાં સંડોવાયેલી ૨૫ યાંત્રિક નાવડીઓ પણ ઝડપી પાડી કુલ ૬.૨૦ લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ
ભરૂચ,
જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન સદંતર બંધ થાય તેમજ ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય તેવા સ્પષ્ટ ઉદ્દેશ સાથે વહીવટીતંત્ર દ્વારા કડક સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત ખનીજ ચોરીની પ્રવૃતિ આચરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આજરોજ ભરૂચના પ્રાંત અધિકારી, ભૂસ્તરશાસ્ત્રી અને મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે નર્મદા નદીના કિનારે આકસ્મિક ખનીજ ખનન અને વહન અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ૪ વાહનો નંબર GJ-16-AW-9783,GJ-21-W-7790, GJ-16-AU-4133 અને GJ-16-W-8908 સંયુક્ત ટીમ દ્વારા આ ચારેય ટ્રકોને ઘટના સ્થળે જ સીઝ કરી અંદાજે રૂપિયા ૧.૦૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,તેમજ નિયમોનુસાર રૂપિયા ૬.૨૦ લાખની દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.આ ઉપરાંત, નદી કિનારે ખનીજ ચોરીના હેતુસર ઉપયોગમાં લેવાતી અંદાજિત રૂપિયા ૧.૨૫ કરોડની કિંમતની ૨૫ યાંત્રિક નાવડીઓનો મુદ્દામાલ પણ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.આમ સમગ્ર રેડ દરમ્યાન કુલ ૨.૨૫ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




