એકતા નગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

SHARE:

– યોગ મન, શરીર, ચેતના અને જીવનને સંતુલિત બનાવતી એક જીવનશૈલી, સાધના અને આરાધના છે: ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી

– કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રયાસોથી યોગનો સંદેશ આજે વિશ્વના અનેક દેશોમાં પહોંચ્યો છે અને યોગને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં યોજાયેલ આ યોગ કાર્યક્રમ નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ કે આસન નથી, પરંતુ મન, શરીર, ચેતના અને જીવનને સંતુલિત બનાવતી એક જીવનશૈલી, સાધના અને આરાધના છે.યોગ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે. સરકાર દ્વારા સમાજના દરેક વર્ગ સુધી યોગનો લાભ પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેમણે સૌને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા તેમજ અન્ય લોકોને પણ યોગ માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “Yoga for Healthy Ageing” (સ્વસ્થ જીવન માટે યોગ) રાખવામાં આવી છે,જેનો મુખ્ય ઉદ્દેશ વધતી ઉંમર સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવામાં યોગના મહત્વને ઉજાગર કરવાનો છે.કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પશ્ચિમ બંગાળથી જીવંત પ્રસારણને નિહાળી યોગના મહત્વ અને તેના લાભો અંગે તેમના માર્ગદર્શનનો લાભ લીધો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા SoUADTGAના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ દરમ્યાન સમૂહ યોગાભ્યાસ, પ્રાણાયામ તથા વિવિધ યોગાસનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!