યોગા ફોર હેલ્ધી એજિંગ”ના સંકલ્પ સાથે સાથે ભરૂચ જિલ્લાના નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો

SHARE:

– ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

– ભરૂચ જિલ્લાના ખૂણે-ખૂણે સુધી સામૂહિક યોગનો વિચાર પહોંચાડવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની હાંકલ

– કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના અધિકારીઓએ યોગઅભ્યાસ કર્યો

ભરૂચ,

યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાને અનુસરીને, ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ સાથે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય પધાધિકારીઓ તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભરૂચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ યોગપ્રેમીઓને સંબોધન કર્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ કે આસનોનો સમૂહ નથી, પરંતુ શરીર, મન અને ચેતનાને એકસૂત્રે બાંધતી જીવન જીવવાની અદભુત કળા છે.આ વર્ષની ઉજવણી બેવડો આનંદ લાવ્યાનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે, ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા અને સુશાસનના ૧૨ વર્ષ પણ પૂર્ણ થયા છે.વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ અને અવિરત પ્રયાસોને લીધે જ આજે ભારતીય સંસ્કૃતિની આ ધરોહર સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) ના સમર્થન સાથે વૈશ્વિક સ્તરે સ્વીકૃત બની છે.ભારતના પ્રસ્તાવને મળેલું વૈશ્વિક સમર્થન એ વાત સાબિત કરે છે કે યોગ માત્ર ભારતની ધરોહર નથી, પણ સમગ્ર માનવજાતની જરૂરિયાત છે.આ વર્ષની થીમ ‘Yoga for Health’ (યોગા ફોર હેલ્થ) અંગે વાત કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે આજના આધુનિક યુગની અનિયમિત દિનચર્યા અને માનસિક તણાવ જેવા પડકારોનો સામનો દવાઓથી નહીં, પણ યોગ દ્વારા જીવનશૈલીમાં બદલાવ લાવીને જ કરી શકાય છે.યોગ આપણને સાચું, સક્રિય અને આનંદમય સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

અંતમાં તેમણે ભરૂચ શહેર અને જિલ્લાના પ્રત્યેક ગામ, સોસાયટી અને વિસ્તાર સુધી સામૂહિક યોગનો આ વિચાર પહોંચાડી, સ્વસ્થ સમાજના નિર્માણ દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપવા નાગરિકોને અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનિષા મનાણી સહિતના અધિકારી, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!