– માનસિક તણાવ મુક્તિ અને સકારાત્મક જીવનશૈલીના સંકલ્પ સાથે જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, જેલ ભવન અમદાવાદ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન
ભરૂચ,
૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા જેલ ખાતે યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ હેઠળ કેદીઓ માટે સામૂહિક યોગાભ્યાસના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય,જેલ ભવન અમદાવાદના અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જેલ અધિક્ષક એન.પી.રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જેલના પ્રત્યેક અંતેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત જેલ અધિકારીઓએ કેદીઓને સંબોધતા જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ માનસિક શાંતિ અને આત્મશુદ્ધિનો શ્રેષ્ઠ માર્ગ છે.જેલના બંધન વચ્ચે પણ યોગાભ્યાસ દ્વારા મનને હકારાત્મક ઉર્જા તરફ વાળી શકાય છે.આજના આધુનિક યુગમાં માનસિક તણાવ, ગુસ્સો અને નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવવા માટે યોગ એક રામબાણ ઈલાજ સાબિત થાય છે.
નિયુક્ત યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ કેદી ભાઈઓ-બહેનોએ વહેલી સવારે જેલ પરિસરમાં વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ સલગ્ન પદ્ધતિથી કરી હતી.યોગ પ્રશિક્ષકો દ્વારા નિયમિત જીવનમાં યોગના મહત્વ અને તેનાથી થતા શારીરિક-માનસિક ફાયદાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ સાથોસાથ તમામ અધિકારી/કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાન હેઠળ જેલ પ્રિમાઈસિસની અંદર એક કલાક માટે શ્રમદાન કરી સાફ-સફાઈ હાથધરી હતી.
આ કાર્યક્રમમાં યોગ ટીચર માધવી શાહ, યોગ બોર્ડ ગાંધીનગર તરફથી નટવરસિહ રાજપુત અને જેલ સ્ટાફના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જેલના કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર જેલ પરિસરમાં કેદીઓએ દરરોજ યોગાભ્યાસ કરી પોતાની જીવનશૈલી સુધારવાનો અને સ્વસ્થ જીવન જીવવાનો દઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




