ભરૂચ,
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ખનીજ ચોરી, ગેરકાયદેસર રેતી ખનન અને ઓવરલોડ વાહનો સામે જિલ્લા વહીવટીતંત્ર, ખાણ-ખનીજ વિભાગ અને આરટીઓ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.એક તરફ કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થઈ રહ્યો છે,વાહનો સીઝ થઈ રહ્યા છે અને લાખો રૂપિયાના દંડ ફટકારાઈ રહ્યા છે,ત્યારે બીજી તરફ કાર્યવાહી પાછળના મુખ્ય જવાબદારોના નામ જાહેર ન થતાં અનેક સવાલો ઉભા થયા છે.
ભરૂચના પ્રાંત અધિકારી, ભૂસ્તરશાસ્ત્રી અને મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે નર્મદા નદીના કિનારે આકસ્મિક ખનીજ ખનન અને વહન અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ આકસ્મિક તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ૪ વાહનો નંબર GJ-16-AW-9783,GJ-21-W-7790, GJ-16-AU-4133 અને GJ-16-W-8908 સંયુક્ત ટીમ દ્વારા આ ચારેય ટ્રકોને ઘટના સ્થળે જ સીઝ કરી અંદાજે રૂપિયા ૧.૦૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,તેમજ નિયમોનુસાર રૂપિયા ૬.૨૦ લાખની દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.આ ઉપરાંત, નદી કિનારે ખનીજ ચોરીના હેતુસર ઉપયોગમાં લેવાતી અંદાજિત રૂપિયા ૧.૨૫ કરોડની કિંમતની ૨૫ યાંત્રિક નાવડીઓનો મુદ્દામાલ પણ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.આમ સમગ્ર રેડ દરમ્યાન કુલ ૨.૨૫ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ વાહનવ્યવહાર વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા વડોદરા-સુરત નેશનલ હાઈવે પર હાથ ધરાયેલી ઝુંબેશમાં ૪૫૦થી વધુ રેતી ભરેલા વાહનોની તપાસ દરમિયાન ૭૧ વાહનો સામે કાર્યવાહી કરીને રૂ.૭.૬૮ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં ૩૪ ઓવરલોડ વાહનો અને ૩૭ અન્ય નિયમભંગ કરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં ચાર વાહનો રોયલ્ટી પાસ વિના રેતીનું વહન કરતા ઝડપાતા ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા હતા.
પરંતુ સમગ્ર કાર્યવાહીમાં સૌથી મોટો સવાલ એ છે કે આ વાહનો, નાવડીઓ અને મશીનરીના વાસ્તવિક માલિકો કોણ છે? ગેરકાયદેસર ખનીજ ચોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કઈ કાયદેસરની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી? કોઈ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાઈ છે કે નહીં? જો નોંધાઈ હોય તો તેના આરોપીઓ કોણ છે? આ વિગતો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી.
કાયદાના જાણકારોના મતે માત્ર વાહનો સીઝ કરવાથી કે દંડ વસૂલવાથી ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને કાયમી રોકી શકાય તેમ નથી.જો ખનીજ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો જ આવા તત્વોમાં કાયદાનો ભય ઉભો થઈ શકે.
જિલ્લામાં સામાન્ય નાગરિકો અને જાગૃત વર્ગોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે જ્યારે તંત્ર કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે કાર્યવાહી જાહેર કરે છે, ત્યારે જવાબદાર વ્યક્તિઓના નામ અને તેમની સામે લેવાયેલા કાયદાકીય પગલાં અંગે પારદર્શિતા કેમ રાખવામાં આવતી નથી? શું માત્ર દંડ વસૂલવાનો હેતુ છે કે ખરેખર ખનીજ ચોરીના નેટવર્કને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?
શુક્લતીર્થ ખાતે રૂ. ૨.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હોવાનું તંત્ર જણાવે છે. ચાર ટ્રકો અને ૨૫ યાંત્રિક નાવડીઓ ઝડપાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. છતાં આ તમામ વાહનો અને નાવડીઓના માલિકો કોણ છે, તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરિણામે કાર્યવાહીનો કેન્દ્રબિંદુ મુદ્દામાલ સુધી મર્યાદિત રહી ગયો છે જ્યારે જવાબદાર વ્યક્તિઓ અંગે હજુ પણ રહસ્ય યથાવત છે.
ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન ગંભીર ગુનો ગણાય છે. આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે ખાણ-ખનીજ કાયદા ઉપરાંત અન્ય સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. જોકે તાજેતરની કાર્યવાહી બાદ કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, કઈ કલમો લાગુ કરવામાં આવી અને કેટલા આરોપીઓ સામે ગુનો દાખલ થયો તેની વિગતો જાહેર ન થતાં પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા થયા છે.
જિલ્લામાં હવે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે, ખનીજ ચોરી સામે કાર્યવાહી થાય છે, વાહનો પકડાય છે, દંડ વસૂલાય છે, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ સૂત્રધારોના નામ જાહેર કરવામાં કેમ સંકોચ રાખવામાં આવે છે? જો કાર્યવાહી ખરેખર કડક હોય, તો જવાબદારોની ઓળખ અને તેમની સામેની કાયદાકીય પ્રક્રિયા પણ જાહેર થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.




