આમોદ તાલુકાની વેડચા પ્રાથમિક શાળામાં ૧૧ બાળકોને શાળા પ્રવેશ કરાવાયો

SHARE:

– શાળામાં શૈક્ષણિક કીટ આપનાર તથા આર.ઓ પ્લાન્ટની સુવિધાઓ પૂરી પાડનાર દાતાઓનું સન્માન કરાયું

ભરૂચ,

આમોદ તાલુકાના વેડચા ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના અભિયાનને અનુરૂપ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.આમોદ તાલુકાની વેડચા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ શાળાની બાળકીઓએ સુંદર અભિનય ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ અધ્યક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર ખાસ ઉપસ્થિત રહી આંગણવાડી,બાલવાટિકા તેમજ ધોરણ-૧ સાથે કુલ ૧૧ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને બાળકોને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પ્રસંગે એસ.એમ.પી.ચેરિટેબલ ટ્રસ્ટ, તેલોદના ધર્મિષ્ઠાબેન પટેલ તથા DMCC, દહેજના મેનેજર પ્રકાશ પટેલના સંયુક્ત સહયોગથી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં નોટબુક,ચોપડા યુનિફોર્મ, દફતર, પેન્સિલ તેમજ પેન સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.આ સહાયથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.આ ઉપરાંત શાળાના શિક્ષક તથા બાળકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી વાણી ફાઉન્ડેશનના કપિલ પટેલ તેમજ માર્ટિન પટેલ તરફથી આર.ઓ.પ્લાન્ટ તથા વોટર કૂલરની ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના સરપંચ, ગામના આગેવાન કિરણ પટેલ,તેલોદ ગામના આગેવાન હેમંત પટેલ,આંગણવાડી કાર્યકર, આશાવર્કર, ગ્રામજનો,વાલીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળાના પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

શાળાના આચાર્ય અનિતા પટેલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!