ભરૂચ કલેક્ટરે બાળકને પ્રોત્સાહિત કરવા માટે પોતાની પેન ભેટમાં આપીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

SHARE:

– ભરૂચ કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેની પ્રેરક ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ ની ઉત્સાહભેર ઉજવણી

– ભરૂચ જિલ્લામાં ૫૦૦થી વધુ બાળકો ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં જોડાયા જ્યારે ૭૪૭ થી પણ વધુ બાળકોનું શાળામાં પુન: નામાંકન – કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે

– નાના ગામની ડુંગરવાળી શાળામાંથી કલેક્ટર સુધીની સફર: ડૉ. નવનાથ ગવ્હાણેએ વિદ્યાર્થીઓને આપ્યો મહેનત અને ધૈર્યનો મંત્ર

ભરૂચ,

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ના બીજા દિવસે જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેએ જંબુસર તાલુકાની હાજી કન્યા શાળા જંબુસર,શ્રીમતિ એચ. એસ.શાહ હાઈસ્કૂલ અને મોલાના મદની મેમોરિયલ હાઇસ્કુલમાં આંગણવાડીના બાલવાટિકાના તેમજ ધોરણ-૧ અને ધો. ૯ અને ધો. ૧૧ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેના મહત્વપૂર્ણ સંકલ્પ લીધા હતા.

આ તકે, વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ‘શાળા પ્રવેશોત્સવ’ની શરૂઆત કરી હતી. આજે આ વિદ્યા યજ્ઞની સફળતા આપણી સામે છે, ભરૂચ જિલ્લામાં જ ૫૦૦થી વધુ બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં આવ્યા છે. જ્યારે છેલ્લા બે દીવસમાં ૭૪૭ થી પણ વધુ બાળકોનું શાળામાં પુન: નામાંકન કરાવામાં આવ્યું છે.પોતાના જીવનના સંભારણા વાગોળતા કહ્યું કે, હું પણ એક નાના ગામની ડુંગરવાળી શાળા માંથી ભણીને અહીં સુધી પહોંચ્યો છું. મારા અભ્યાસકાળ દરમ્યાન માર્ગદર્શનના અભાવ જેવી અનેક મુશ્કેલીઓ આવી, પણ મનમાં એક જીદ હતી કે મહેનત અને ધૈર્યથી આગળ વધવું છે.આજે જે બાળકો કોઈ કારણસર શાળા છોડી ગયા હતા અને શાળાના પ્રયાસોથી પાછા ફર્યા છે, તેમના માતા-પિતાને મારી નમ્ર વિનંતી છે કે, ઘરમાં ગમે તેવી સમસ્યા હોય તો પણ શિક્ષણ અધૂરું ન છોડાવો. ગરીબીમાંથી બહાર નીકળવાનું સૌથી શ્રેષ્ઠ સાધન શિક્ષણ જ છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરુષોના જીવન આપણને શીખવે છે કે શિક્ષણ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે.તમારા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, બહુ સફળ સ્કૂલના વિદ્યાર્થીઓ રહ્યા છે, જે આપણા માટે ગર્વની વાત છે. એટલે હું આપ બધાને અપીલ કરું છું કે ધૈર્ય રાખીને, મહેનત કરવાની ભાવનાથી આપ આગળ વધશો, તો આપ પણ અવશ્ય સારા મુકામ પર પહોચી શકશો. જે વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયા છે કે નિરાશ છે, તેમને હું કહેવા માંગું છું કે ગભરાશો નહીં, સરકાર તમારી સાથે છે. ચાલો, આપણે સૌ સાથે મળીને શિક્ષણનો આ યજ્ઞ ચાલુ રાખીએ અને નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીએ.કાર્યક્રમ દરમ્યાન શાળાની વિદ્યાર્થીનીએ શિક્ષણની વિવિધ સરકારી યોજનાઓ અને વિકસિત ભારત વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂઆત કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સી.ઈ.ટી.(CET), એન.એમ.એમ.એસ. (NMMS), ખેલ મહાકુંભ, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત સહયોગી વાલીઓ, શ્રેષ્ઠીઓ અને દાતાઓનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને તેજસ્વી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના સન્માન દરમ્યાન કલેક્ટરે બાળકને પ્રોત્સાહિત કરવા માટે પોતાની પેન ભેટમાં આપીને એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ સાથે સામાજિક જાગૃતિ અર્થે ઉપસ્થિત સૌને ‘ટ્રાફિક નિયમોના સામૂહિક શપથ’ લેવડાવી વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, સંસ્કાર અને માતા-પિતાના આદરની પ્રેરણા આપી હતી. ત્યારબાદ SMC ના સભ્યો સાથે બેઠક યોજી શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે જંબુસર મામલતદાર, શાળાના શિક્ષકો, આગેવાન, દાતાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!