ભરૂચ,
ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા યોજાનારા “છાત્ર ગુંજ” કાર્યક્રમને સફળ બનાવવા તેમજ તેના માધ્યમથી વિદ્યાર્થીઓ અને જનતાને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને ઉઠાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે વેપારી કરણ તરફ ધકેલાઈ રહી છે અને શિક્ષણના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત વારંવાર સામે આવતા પેપરલીક અને પરીક્ષા કૌભાંડના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા “છાત્ર ગુંજ” કાર્યક્રમ અંતર્ગત આવા પ્રશ્નોને રાજ્યવ્યાપી સ્તરે ઉઠાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર વિદ્યાર્થીઓના પ્રશ્નો જ નહીં પરંતુ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, વધતી મોંઘવારી, બેરોજગારી, સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર તેમજ રાજ્યમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના દુષણ જેવા મુદ્દાઓ પર પણ કોંગ્રેસ દ્વારા જનઆંદોલન ઉભું કરવામાં આવશે. સાથે જ ભરૂચ જિલ્લાના વિવિધ પ્રાણપ્રશ્નો અંગે પણ આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાના કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાનો યોજવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ કવિઠા ગામમાં ચર્ચાસ્પદ બનેલા કથિત તાલિબાની ફરમાનના મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ પીડિત પરિવારની સાથે અડીખમ ઉભો છે અને તેમને ન્યાય મળે તે માટે જરૂરી લડત આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં કોઈ પણ વ્યક્તિ કે પરિવાર સાથે અન્યાય થાય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા તેમની પડખે ઉભો રહે છે.
પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આગામી સમયમાં વિવિધ મુદ્દાઓને લઈને સંગઠનાત્મક કાર્યક્રમો યોજવાની તેમજ જનસમસ્યાઓને લઈને વધુ આક્રમક ભૂમિકા અપનાવવાના સંકેતો પણ આપ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહર પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાળા સહિત કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




