– પ્રતિમાસ ૨ શનિવારે પ્રસ્તુત થશે ગુજરાતના પ્રસિદ્ધ આદિવાસી નૃત્યો
– સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટ્રાઈબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે સમજુતી કરાર : પ્રવાસીઓને ભારતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવવાનો પ્રયાસ
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
સ્ટેચ્યુ ઓફ યુનિટી વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે ત્યારે SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી દ્વારા ૧ મે ૨૦૨૪ના દિવસથી પ્રતિમાસ ૨ શનિવારના રોજ ભારતની સાંસ્કૃતિક વિવિધતામાં એકતાના દર્શન તેમજ ગુજરાતના ભવ્ય આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે.પ્રવાસીઓ તરફથી આ નવતર પ્રયોગને ભવ્ય પ્રતિસાદ આપી વધાવી લેવાતા આ નૃત્યોની પ્રસ્તુતિ આગામી વર્ષોમાં કાર્યરત રહે અને તેના થકી સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને દેશ વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઈબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી કટિબદ્ધ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાને જાણી શકે અને ગુજરાતની આદિવાસી સમૃદ્ધ સંસ્કૃતિને ઓળખ અપાવવાના શુભ આશયથી SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઈબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે થયેલ સમજુતી કરારના માધ્યમથી ૧ મે ૨૦૨૪, ગુજરાત સ્થાપના દિવસથી દર પખવાડીએ શનિવારના રોજ ગુજરાતના વિવિધ જીલ્લાઓના પ્રખ્યાત આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે અત્યાર સુધી ૪૮ નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી છે.
પ્રવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી મારફતે અમલમાં મુકવામાં આવેલ નવતર પ્રયોગને ભવ્ય પ્રતિસાદ મળતા આગામી વર્ષોમાં પણ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ માટે સમજુતી કરાર કરવામાં આવેલ છે. આ સમજુતી કરાર પર SoU ઓથોરિટીના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયા અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ સી.સી.ચૌધરીએ હસ્તાક્ષર કર્યા હતા.
આ સમજુતી કરાર હેઠળ ગુજરાતના અલગ અલગ જિલ્લાના કુલ ૧૪ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે.જેમાં (1) રાઠવા નૃત્ય – છોટાઉદેપુર (2) ગેર નૃત્ય – છોટાઉદેપુર (3) મેવાસી નૃત્ય – છોટાઉદેપુર (4) કહાડિયા નૃત્ય – ડાંગ (5) પાવરી નૃત્ય – ડાંગ (6) લોક નૃત્ય – નર્મદા (7) હોલી નૃત્ય – નર્મદા (8) ગામીત ઢોલ નૃત્ય – તાપી (9) ચૌધરી લોક નૃત્ય – તાપી (10) તલવાર નૃત્ય – મહીસાગર (11) ટીમલી નૃત્ય – મહીસાગર (12) મંડળ નૃત્ય – વલસાડ (13) તૂર ડાન્સ – વલસાડ (14) કાહલી ડાન્સ – વલસાડનો સમાવેશ થાય છે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે એકતા નગર ખાતે સમજુતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજુતીનો મુખ્ય હેતુ ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સાંસ્કૃતિક પરંપરા, લોકકલાઓ અને લોકનૃત્યોના સંવર્ધન સાથે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને રાજ્યની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ધરોહરનો પરિચય કરાવવાનો છે.
આ અંગે ગુજરાત ટ્રાઈબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.સી.સી.ચૌધરીએ જણાવ્યું હતું કે એકતા નગર ખાતે દર પખવાડિયે શનિવારે તેમજ વિવિધ વિશેષ પ્રસંગોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.આ પહેલ દ્વારા રાજ્યની આદિવાસી સંસ્કૃતિને વધુ વ્યાપક ઓળખ મળશે તેમજ સ્થાનિક કલાકારોને પોતાની કળા પ્રસ્તુત કરવા માટે સશક્ત મંચ ઉપલબ્ધ થશે.
આ સમજુતી કરાર રાજ્યની આદિવાસી સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણ અને પ્રચાર-પ્રસારની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેમજ એકતા નગરને સાંસ્કૃતિક પ્રવાસનના વધુ સશક્ત કેન્દ્ર તરીકે વિકસાવવામાં પણ સહાયક બનશે.




