ભરૂચ,
ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચનામાં થઈ રહેલા વિલંબને કારણે વહીવટી કામગીરી પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પાલિકામાં વિવિધ સમિતિઓની રચનામાં થઈ રહેલા વિલંબને કારણે વહીવટી કામગીરી પર તેની સીધી અસર જોવા મળી રહી છે.ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમ્યાન શહેરની સમસ્યાઓના ઝડપી નિરાકરણમાં પણ અવરોધ ઉભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહત્વની અને પ્રભાવશાળી સમિતિઓના ચેરમેન પદ પર પોતાના નજીકના અને વિશ્વાસુ નગરસેવકોને સ્થાન અપાવવા મુદ્દે ભાજપના સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે મતભેદ સર્જાયા હોવાની ચર્ચા છે.આ આંતરિક ખેંચતાણને કારણે સમિતિઓની રચના હજુ સુધી થઈ શકી નથી.
આ પરિસ્થિતિ વચ્ચે બંને નગરપાલિકાઓમાં યોજાનારી સામાન્ય સભાઓ સ્થગિત કરવામાં આવતા સમિતિઓમાં સ્થાન મેળવવા માટે કેટલાક નગરસેવકો પક્ષના વરિષ્ઠ નેતાઓનો સંપર્ક વધારી રહ્યા હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
દર વર્ષે ચોમાસા દરમ્યાન ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વરસાદી પાણીના ભરાવા,માર્ગોની સમસ્યા સહિત અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. ત્યારે સમિતિઓના અભાવે આવા પ્રશ્નોના અસરકારક અને સમયસર નિરાકરણ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
અંકલેશ્વરની જેમ ભરૂચમાં પણ સમિતિ રચનાની પ્રક્રિયા અટવાઈ હોવાનું સામે આવ્યું છે.
હાલમાં બોરભાઠા સ્થિત તપોવન આશ્રમ ખાતે ભાજપના પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે.રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંને નગરપાલિકાઓમાં સમિતિઓની જાહેરાત થઈ શકે છે.
હાલની સ્થિતિમાં ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાનો વહીવટ માત્ર પ્રમુખ,ઉપપ્રમુખ અને મુખ્ય અધિકારીના સહારે ચાલી રહ્યો છે,જ્યારે સમિતિઓની રચનાની રાહ નગરસેવકો અને શહેરવાસીઓ બંને જોઈ રહ્યા છે.ત્યારે સમિતિઓમાં કોણે સ્થાન મળે છે અને કોની બાદબાકી થાય છે તે જોવું રહ્યું.




