દોરા ગામના આઠ બાળકોએ ગિનેઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી ગામનું ગૌરવ વધાર્યું

SHARE:

– સંસ્કૃતના ૩૧૫ શ્લોકો શુદ્ધ ઉચ્ચાર સાથે કડકડાટ બોલી સૌને આશ્ચર્યચકિત કરી દીધા

ભરૂચ,

આમોદ તાલુકાના દોરા ગામની સાત તેજસ્વી બાળકીઓ તથા એક બાળકે ગિનેઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી દોરા ગામ તેમજ આમોદ તાલુકા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું.વડોદરા ખાતે તા.૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ફોરમ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કુલ ૧૨,૭૨૩ બાળકોએ એકસાથે ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનું મોઢે પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

આ ઐતિહાસિક સિદ્ધિમાં દોરા ગામની સાત બાળકીઓ તથા એક બાળકે પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગિનેઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.આ સમાચાર ગામમાં પહોંચતા જ ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.

બાળકોને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં દોરા ગામ સ્થિત BAPS મંદિરના સંચાલક અવંતિકા પટેલ અને અલકાબેન પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું.તેમણે બાળકોને નિયમિત માર્ગદર્શન આપી ‘સત્સંગ દીક્ષા’ના ૩૧૫ શ્લોકો કંઠસ્થ કરાવ્યા તેમજ સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સિદ્ધિ હાંસલ કરનારા બાળકો ધોરણ ૩ થી ૭ માં અભ્યાસ કરે છે.ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી ખુશીબેન, કક્ષાબેન અને આન્વીબેને સંસ્કૃત ભાષાના શ્લોકો અત્યંત આત્મવિશ્વાસ અને શુદ્ધ ઉચ્ચાર સાથે કડકડાટ બોલી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.તેમની પ્રતિભા અને મહેનતની સૌએ પ્રશંસા કરી હતી.

દોરા ગામના બાળકોની આ અનોખી ઉપલબ્ધિ બદલ ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો તેમજ BAPS સંસ્થાના કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.દોરા ગામની ખુશી પટેલ ધોરણ -૬ ,કાવ્યા પટેલ ધોરણ – ૭ કક્ષા પટેલ- ધોરણ -૩,આન્વી પટેલ ધોરણ -૬ આરોહી પટેલ- ૬ તુલસી પટેલ ધોરણ -૭ પ્રાર્થના પટેલ ધોરણ – ૬ તથા ધ્યેય પટેલ – ધોરણ -૩ નામના બાળકનું નામ પણ અનોખી સિદ્ધિ બદલ ગિનેઝ વર્લ્ડ રેકર્ડમાં નોંધાવા પામ્યું હતું.

દોરા ગામની ખુશી પટેલે પણ વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હોવાથી તેને ગુજરાતી બોલવું ઓછું ફાવે છે.પરંતુ દરરોજની પ્રેક્ટિસથી તે સંસ્કૃતના ૩૧૫ શ્લોકો આત્મવિશ્વાસ સાથે કડકડાટ બોલી હતી.આ બાબતે ખુશીના માતા હર્ષિકાબેને અત્યંત ખુશી વ્યક્ત કરી તેની સિદ્ધિને વધાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!