– વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૧૨.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે એક ઘરના પાછળના ભાગે બે ફોર વ્હિલરર ગાડીમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આ ગુના હેઠળ એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી તહેવારો દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને દારૂ જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથધર્યા હતા. આ દરમ્યાન એલસીબીની ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામના પ્રવિણ ઉર્ફે બટકો ગુલાબભાઈ પાટણવાડીયાએ તેના ઘરના પાછળના ભાગે બે ફોર વ્હિલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે.ટીમને મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા સ્થળ ઉપર બે ફોર વ્હિલર ગાડી મળી આવેલ જેમાં તપાસ કરતા બન્ને ફોર વ્હિલર ગાડીઓ માંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન કુલ નંગ ૨૩૦૪ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા ૩,૩૮,૨૫૬ નો જથ્થો તેમજ બે ફોર વ્હિલર ગાડી કિંમત રૂપિયા ૯૦,૦૦૦૦ મળી કુલ રૂપિયા ૧૨,૩૮,૨૫૬ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો,અને રેઈડ દરમ્યાન સ્થળ પર હાજર નહિ મળેલ પ્રવિણ ઉર્ફે બટકો ગુલાબભાઈ પાટણવાડીયા રહે.ગામ કંબોડિયા તા.નેત્રંગનાને વોન્ટેડ જાહેર કરીને તેના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.




