ભરૂચ,
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રથમ જ વરસાદ દરમિયાન સી-પમ્પિંગ સ્ટેશન ઉભરાઈ જતાં વરસાદી ગટર વ્યવસ્થા અને પ્રદૂષણ નિયંત્રણની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.કેટલાક ઉદ્યોગો માંથી નીકળતું પ્રદૂષિત પાણી વરસાદી ગટરોમાં ભળી વરસાદી પાણી સાથે વહેતું જોવા મળતાં પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
દર વર્ષે ચોમાસા દરમ્યાન આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં જવાબદાર વિભાગો અને ઉદ્યોગોને લેખિત તેમજ મૌખિક રીતે અગાઉથી તકેદારી રાખવા રજૂઆતો કરવામાં આવતી રહી છે.તેમ છતાં આ વર્ષે પણ સમસ્યાનું પુનરાવર્તન થતાં તંત્રની તૈયારી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
વરસાદી પાણી સાથે વહેતું પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓ અને ડ્રેનેજ મારફતે અંતે નર્મદા નદી તથા અરબી સમુદ્ર સુધી પહોંચે છે.પર્યાવરણ નિષ્ણાતોના મતે તે જળચર જીવસૃષ્ટિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
નોંધનીય છે કે NGTના આદેશો, વિવિધ તપાસો અને કમિટીઓના અહેવાલોમાં પણ પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી ચૂકી છે.તેમ છતાં કેટલાક ઉદ્યોગો દ્વારા નિયમોના પાલનમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપો ફરી સામે આવ્યા છે. પરિણામે, ઉદ્યોગોની “હમ નહીં સુધરેંગે” જેવી માનસિકતા હજુ યથાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં ગાંધીનગરથી GPCBના મેમ્બર સેક્રેટરી દીપાલી ટાંક, અંકલેશ્વર યુનિટ હેડ જે.એમ.મહિડા, પ્રાદેશિક અધિકારી ડૉ.અગ્રાવત તેમજ પર્યાવરણ કાર્યકર રોહિત પ્રજાપતિ વચ્ચે અંકલેશ્વરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મોન્સૂન એક્શન પ્લાન સહિત ચોમાસા દરમિયાન પ્રદૂષણ અટકાવવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.જોકે પ્રથમ વરસાદમાં જ સર્જાયેલા દૃશ્યોને જોતા સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે બેઠકમાં થયેલી ચર્ચાઓનો મેદાનમાં ઇચ્છિત અમલ જોવા મળ્યો નથી.
હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ રીતે અંકલેશ્વર ઔદ્યોગિક એસ્ટેટ ક્રિટિકલ પોલ્યુટેડ ઝોન માંથી બહાર આવી શકશે? વર્ષો સુધી ચાલતા પ્રદૂષણના પ્રશ્નો અને દર ચોમાસે થતી પુનરાવર્તિત ઘટનાઓને જોતા આ લક્ષ્ય વધુ પડકારજનક બની રહ્યું હોવાનું પર્યાવરણપ્રેમીઓ માને છે.
આ સમગ્ર ઘટનાએ અંકલેશ્વર GPCB, GEMI, NCTની મોનિટરિંગ ટીમો તથા અન્ય સંબંધિત વિભાગોની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. પર્યાવરણ સાથે સંકળાયેલા વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો GPCBના પ્રાદેશિક અધિકારી ડૉ. અગ્રાવત માત્ર ટીમ પર નિર્ભર રહેવાના બદલે જાતે સતત મેદાની દેખરેખ રાખી અસરકારક મોનિટરિંગ કરે, તો એસ્ટેટમાં પ્રદૂષણ પર મહદંશે નિયંત્રણ લાવી શકાય.
સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓએ જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી, સી-પમ્પિંગ સ્ટેશનની કામગીરીનું સ્વતંત્ર ઓડિટ, વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી ભળતું અટકાવવા માટે તાત્કાલિક પગલાં તથા મોન્સૂન એક્શન પ્લાનના અસરકારક અમલની માંગ ઉઠાવી છે.




