ભરૂચ,
ભરૂચના જે.પી. કોલેજ ઓડિટોરિયમ ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા “તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ-2026″નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ પ્રચારક, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડૉ. ઇન્દ્રેશ કુમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પદ્મશ્રી હાજી કાસમ મીર રમકડું પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ઇન્દ્રેશ કુમારના હસ્તે તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહ દરમ્યાન 400થી વધુ મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, જેમણે પીએચ.ડી.,એમબીબીએસ તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે સફળતા મેળવી હતી.તેઓને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડૉ.ઈન્દ્રેશ કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે.તેમણે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રાષ્ટ્રભાવના, સંસ્કાર, શિસ્ત અને સેવાભાવ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. સાથે જ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જીવનમાંથી પ્રેરણા લઈ જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રસેવાના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં રાજુભાઈ હાલાણી, છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક ડૉ. શાહિદ અખ્તર તેમજ ગુજરાત પ્રદેશના ક્ષેત્રીય સંયોજક સલીમ ખાન પઠાણ સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, સામાજિક સમરસતા અને શિક્ષણના મહત્ત્વના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સન્માન સમારોહ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે પ્રેરણા, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.




