– સલામતી વ્યવસ્થાઓ સામે ઉઠ્યા સવાલ
ભરૂચ,
અંકલેશ્વર GIDCમાં આવેલી રંગ સર્જન કેમિકલ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે. કંપનીમાં ઊંચાઈ પર કામ કરતી વખતે કામદાર નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ ઘટનાને પગલે કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાની અંકલેશ્વર GIDCમાં આવેલી રંગ સર્જન કેમિકલ કંપનીમાં એક કામદાર આશરે 10 ફૂટથી વધુ ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા.દરમ્યાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત કામદારને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ અંકલેશ્વર GIDC પોલીસ ને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર તેમજ હોસ્પિટલ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથધરી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટનામાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં,કામદારે જરૂરી સેફ્ટી સાધનો પહેર્યા હતા કે નહીં તેમજ કંપની દ્વારા સલામતીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસની તપાસ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે વધુ વિગતો સામે આવશે.




