ભરૂચ,
ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીકથી પસાર થઈ રહેલી બે બાઈકો વચ્ચે અચાનક જોરદાર ટક્કર સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં દયાદરા ગામના જ રહેવાસી કૌશિક વસાવા નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનેલા અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેમને તાત્કાલિક સ્થાનિકો દ્વારા 108ની મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસના સ્થાનિકો અને દયાદરા ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ બચાવ કામગીરી હાથ ધરી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે કૌશિક વસાવાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથધરી હતી.




