– પાંજરે પુરાયેલો દીપડો ભાગી છુટતા ઝઘડિયા વન વિભાગ દ્વારા તેને ઝડપી પાડવા ધમ પછાડા કરવામાં આવ્યા
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયામાં વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવેલો દીપડો પાંજરા માંથી ભાગી છૂટતાં ભારે અફરાતફરી મચી હતી.ભાગેલા દીપડાએ બે મહિલાઓ પર હુમલો કર્યો હતો.જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો.તો વન વિભાગની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં વન વિભાગની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરતી ઘટના સામે આવી છે. ઉમલ્લા વિસ્તારમાંથી પકડાયેલા દીપડાને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, પ્રાથમિક માહિતી મુજબ સુરક્ષા વ્યવસ્થામાં થયેલી બેદરકારીના કારણે દીપડો પાંજરામાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
દીપડો ભાગી છૂટતાં વન વિભાગની કચેરી નજીક આવેલી રહેણાંક સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી.આ દરમ્યાન કામ પર રહેલી બે મહિલાઓ પર દીપડાએ હુમલો કર્યો હતો.અચાનક બનેલી ઘટનાથી બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી અને આસપાસના લોકોમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો.
ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક ઝઘડિયાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથધરી હતી અને ભાગી છૂટેલા દીપડાને ઝડપી પાડવા માટે ઝઘડિયા વન વિભાગની કચેરી આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ ટીમો તૈનાત કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે ભારે ગુસ્સો તથા ડર જોવા મળી રહ્યો હતો.
લોકોનો આક્ષેપ છે કે જો વન વિભાગે શરૂઆતથી જ જરૂરી સુરક્ષા અને તકેદારી રાખી હોત તો આવી ઘટના ટાળી શકાત હોય અને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા ન હોત. ઘટનાએ વન વિભાગની કામગીરી,સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.સ્થાનિકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.




